ઈશામા કુન્દનિકા, જવા દઈશું તમને…
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 6 May 2020, બુધવાર
ટેક ઑફ
‘અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનું, એક નવા પ્રેમનું આમ ઊગવું તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું તે જ સૌથી મોટું સૌભાગ્ય છે!’
* * * * *
એક લેખક અને ભાવક વચ્ચે કેવો સંબંધ હોય છે? કેવું સંધાન હોય છે? એવું તે શું હોય છે કે જેના કારણે એક વ્યક્તિ (એટલે કે લેખક)નાં મન-હૃદયમાં જન્મેલી કોઈ વાત યા તો સ્પંદન કલમ વાટે અભિવ્યક્તિ પામે ને બીજી વ્યક્તિ (એટલે કે વાચક)નાં મન-હૃદયમાં તે સજ્જડપણે અંકિત થઈ જાય? લેખકના વિચાર, લાગણી, દષ્ટિબિંદુ કે અભિવ્યક્તિમાં એવી તે કેવી પ્રચંડ તાકાત હોય છે કે તે વાચકના ડીએનએનો હિસ્સો બની જાય છે? જાણે કે લેખક પોતાની કલમ દ્વારા વાચકની મનોભૂમિ પર બીજ ફેંકે છે ને તે બીજમાંથી ક્રમશઃ આખેઆખું વૃક્ષ ઊગી નીકળે છે. આખી જિંદગી શાતા આપતું રહે એવું ઘેઘૂર, મા-બાપની છત્રછાયા જેવું વૃક્ષ. અલબત્ત, આવું દરેક લેખક અને દરેક વાચકના સંદર્ભમાં બનતું નથી. લેખક મૂઠીઉંચેરો અને અતિ પ્રતિભાશાળી હોય, વાચક ઉત્સુક, સજ્જ અને સંવેદનાભર્યો હોય ને બન્નેના ભાવવિશ્વ વચ્ચે કશીક અકળ યુતિ સર્જાય ત્યારે જ આ પ્રકારની કેમિસ્ટ્રી રચાતી હોય છે.
કુન્દનિકા કાપડીઆનું નિધન થયું ત્યારે એક બાજુ હૃદયમાં પીડાનાં એકધારાં ટશિયાં ફૂટી રહ્યાં હતાં ને બીજી બાજુ બુદ્ધિ આ ટશિયાંનું પૃથક્કરણ કરી રહી હતી. શા માટે આટલી વેદના થઈ રહી છે? જેની સાથે કેવળ છપાયેલા શબ્દોનો જ નાતો હતો એવી આ વ્યક્તિ પ્રિયજન કરતાંય વધારે પોતીકી કેવી રીતે બની ગઈ? કુન્દનિકા કાપડીઆનાં લખાણોને તરૂણવયથી જબરદસ્ત તીવ્રતાથી ચાહ્યા છે. કુન્દનિકાનાં સર્જનો વડે પોતાની જાતને ડિફાઇન કરી છે. સમજાય છે કે ખુદનું જે સત્ત્વ, સ્વત્ત્વ અને પોતાની નજરમાં ઊભી થયેલી સ્વ-ઓળખ છે તેને આકાર આપવામાં કુન્દનિકા કાપડીઆનો કેટલો પ્રચંડ હિસ્સો છે. બે જ એવાં સર્જકો છે, જેણે માંહ્યલાને આટલી ગાઢ રીતે સ્પર્શ કર્યો હોય – ચંદ્રકાંત બક્ષી અને કુન્દનિકા કાપડીઆ. એકમેક કરતાં તદ્દન જુદો મિજાજ ધરાવતાં બે ગર્વિષ્ઠ ગુજરાતી સર્જકો. ખેર, પછી તો દેશ-વિદેશના કેટલાય લેખકોના સર્જકકર્મના પરિચયમાં આવવાનું થયું, તેમની પ્રત્યે તીવ્ર ખેંચાણ થયું, એમની અસરો પણ ઝીલી. સમજણ પક્વ થતી ગઈ જાય એમ કેટલાય લેખકોને ‘આઉટ-ગ્રો’ પણ થતા ગયા, પણ આ બે સર્જકો સતત સાથે રહ્યાં – ત્વચાની જેમ, શરીરને ટટ્ટાર ઊભા રાખતા મેરુદંડની જેમ.
જીવનના એક તબક્કે તમે પણ લખતા થાઓ છો અને તમારી અભિવ્યક્તિમાં ક્યાંક ક્યાંક કુન્દનિકા કાપડીઆની અસર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. શબ્દોની પસંદગીમાં, ભાષાની રમ્ય છટામાં. તમે આ અસરનો વિરોધ કરતા નથી, બલકે તમને તેની હાજરી ગમે છે. ક્યારેક એવુંય લાગે કે કુન્દનિકા કાપડીઆ જાણે કે એક ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે ને તમારી કેટલીય અભિવ્યક્તિઓ આ ઓપરેટિંગ સિસ્ટમમાંથી પ્રોસેસ થઈને બહાર આવે છે.
આપણને એવા સર્જકો ગમે છે જે આપણને આપણાં સત્યોની ઓળખાણ કરાવી શકતા હોય, જે આપણા માંહ્યલાની વધુ ને વધુ નિકટ લઈ જઈ શકતા હોય. ‘મહાન પ્રેમ આપણી અંદર મહાનતા માગે છે… બે મનુષ્યોનો એકબીજાના મોં સામે અપલક નિહાળી રહેતો પ્રેમ કોઈ દિવસ પોતાનામાં મહાન બની શકે નહીં. મનુષ્યના પ્રેમને મહાન બનાવનાર એક જુદું જ તત્ત્વ છે જે એ બન્નેમાં વ્યાપ્ત છે ને છતાં બન્નેથી ઉપર છે’… ‘સંપૂર્ણ સુંદર પળે’ નવલિકામાં કુન્દનિકા જ્યારે આવું લખે ત્યારે તમને લાગે કે જાણે તમારી અંદર કશોક તાળો મળી રહ્યો છે, કોઈક ગૂંચ ઉકેલાઈ રહી છે. તમે તરૂણાવસ્થા વટાવીને યુવાનીમાં કદમ માંડી રહ્યા હતા ત્યારે તમારે ‘પરોઢ થતાં પહેલાં’ નવલકથાના નાયક સત્ય જેવા બનવું હતું. સત્ય તમારો રોલમોડલ હતો. કદાચ હજુય છે. સત્ય નામના એ પુરુષપાત્રના આધારે તમે તમારી સેલ્ફ-ઇમેજ ઘડી હતી. એકાએક સમજાય છે કે જીવનના સંઘર્ષો અને વિરોધિતાઓએ તમને આ સેલ્ફ-ઇમેજ કરતાં કેટલા દૂર ફંગોળી દીધા છે. ખેર, હજુય મોડું થયું નથી. હજુય પોતાની જાત પર કામ થઈ શકે છે ને સત્યના થોડાઘણા ગુણો કેળવી શકાય છે. કદાચ…
‘જવા દઈશું તમને’ એ કુન્દનિકા કાપડીઆની અમર વાર્તા છે. એક વૃદ્ધા મૃત્યુના બિછાને પડી છે. કદાચ આજે એની અંતિમ રાત છે. દીકરાઓ-વહુઓ છેલ્લો મોં-મેળાપ કરવા માટે બહારગામથી આવી ગયાં છે. મારિયા નામની સૌથી નાની વહુ અંગ્રેજ છે, જેની સાથે અગાઉ ક્દાચ ક્યારેય મુલાકાત થઈ નથી. મોડી રાત્રે મારિયા વૃદ્ધાના કમરામાં આવે છે. થોડી વાતો કર્યા પછી વૃદ્ધાના મસ્તક પર બહુ જ પ્રેમથી હાથ ફેરવીને એ પૂછે છેઃ તમને ભય નથી લાગતોને? અજ્ઞાતનો ભય. બઘું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો ભય. આર યુ અફ્રેઇડ?
… ને વૃદ્ધાના હૃદયમાં એક બહુ જ મોટું મોજું ઊછળે છે. આનંદનું મોજું. આ છોકરી મને સમજે છે. મારી ભીતર શી લાગણીઓ છે એ જાણવાની એને ખેવના છે. મારા ભયની એને ચિંતા છે. એ ભયને કદાચ તે દૂર કરવા માગે છે. વૃદ્ધાને જવાબ આપવો હતો, પણ આ ભરતીથી એ ઉત્તેજિત થઈને થાકી ગઈ. કુન્દનિકા કાપડીઆ આગળ લખે છેઃ
‘જીવનની છેલ્લી પળોમાં એક નવો સંબંધ ઉદય પામ્યો હતો. જરા મોડો, પણ અત્યંત સુંદર… લોકો કહે છે, પતિ જીવંત હોય ત્યાં સુધીમાં પત્ની મરવા-કરવાનું પતાવી લે તો તેને સૌભાગ્યવતી કહેવાય. ઓહ… લોકોને શી ખબર સૌભાગ્ય એટલે શું? આ સૌભાગ્ય છે. અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનું, એક નવા પ્રેમનું આમ ઊગવું તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું તે જ સૌથી મોટું સૌભાગ્ય છે!’
થોડી વાર બેસીને મારિયા વિદાય લે છે. વાર્તાને અંતે વૃદ્ધાને એ કહે છેઃ મે યોર જર્ની બી પીસફુલ.
ઈશામા કુન્દનિકા, તમારા માટે પણ અમારી આ જ પ્રાર્થના છે. મૃત્યુ પછીની તમારી અનંતયાત્રા સુખમય હો, શાંતિપૂર્ણ હો…
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2020 )
Leave a Reply