આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 18 ડિસેમ્બર 2019, બુધવાર
ટેક ઓફ
પ્રેમસંબંધ તો ઘટનાપ્રચુર જ હોવો જોઈએ. પ્રેમમાં નિષ્ક્રિયતા સ્વીકાર્ય નથી. અવગણના કે ઉદાસીનતા તો બિલકુલ નહીં.
* * * * *
મરીઝ આપણી ભાષાના એક એવા શાયર છે, જેમની પાસે તમે કોઈ પણ સમયે જઈ શકો, કોઈ પણ ભાવસ્થિતિમાં જઈ શકો. તમે ફિલોસોફિકલ મૂડમાં હો, આત્મમંથન કરવા માગતા હો, પ્રેમમાં હો કે પ્રેમભગ્ન હો, ખુશ હો કે ઢીલા પડી ગયેલા મનને પાછું ચેતનવંતુ કરવા માગતા હો, તમારે મરીઝનાં પુસ્તકનાં પાનાં ફેરવવા. ઘણું કરીને મનને મૂંઝવતા પ્રશ્નનો જવાબ તમને જડી જશે. સંભવતઃ કશોક પ્રકાશ દેખાઈ જશે, વેરવિખેર લાગણીઓ અને વિચારો વ્યવસ્થિત ગોઠવાઈને ડિફાઇન થઈ જશે.
શરૂઆત મરીઝના આ ખુમારીભર્યા શેરથી કરીએઃ
કિસ્મતને હથેળીમાં હંમેશાં રાખો,
ચહેરાની ઉપર એની ન રેખા રાખો,
દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે,
દુખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.
હથેળીમાં ભલે ગમે તેવી તૂટીફૂટી કિસ્મતરેખા અંકિત થયેલી હોય, માણસના ચહેરા પર આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિનું તેજ હંમેશાં ઝળકતું રહેવું જોઈએ. ચડતી-પડતી સૌના જીવનમાં આવ્યા કરે. ગમે તેવો ભડભાદર માણસ પણ નિષ્ફળ જઈ શકે, પણ મરીઝ કહે છે તેમ, માણસનું વ્યક્તિત્ત્વ, એની પ્રતિષ્ઠા અને એની આભા એવાં બળકટ હોવા જોઈએ કે નિષ્ફળતાના દોરમાં પણ કોઈની હિંમત ન ચાલે કે પાસે આવીને સહાનુભૂતિ દેખાડવાની ચેષ્ટા સુધ્ધાં કરે.
કિસ્મતને રડી, શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર,
બેસી ન રહે – હોય જો તકદીર બૂરી,
કર યત્ન બૂરી ચીજનો વિશ્વાસ ન કર.
નસીબને દોષ દઈને બેસી રહેવાનો શો મતલબ છે? દુર્ભાગ્યનો વાંક કાઢવાનો સીધો અર્થ એ થયો કે ઈશ્વરે જે અપાર શક્તિઓ આપી છે એનો તમે ઉપયોગ કરી શકતા નથી અથવા કરવા માગતા નથી, હતાશાના, નિષ્ફળતાના સમયગાળામાં આપણે એટલા વલ્નરેબલ હોઈએ છીએ કે જો જાગૃત ન રહીએ તો ક્ષણિક રાહત ખાતર લપસી પડતાં, પ્રલોભનને વશ થતાં વાર ન લાગે. જેન્યુઇન પ્રેમની વાત અલગ છે. વેદનાના વરસાદ વચ્ચે જો પ્રિયજનનો સાથ મળી તો ક્યા કહને.
બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં,
આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો.
કેટલો સુંદર શેર. પ્રિયતમાનો પાલવ હાથમાં આવતાં જ કાયમ ખાલી રહેતી મારી મુઠ્ઠી બંધ થઈને લાખની થઈ ગઈ! પ્રેમનો પ્રસ્તાર ભલે ગમે તેવો હોય, આખરે તો આપણે આપણું વિશિષ્ટ સ્થાન બનાવવાનું હોય છે – સમાજની નજરમાં, ખુદની નજરમાં.
કોઈ કલા સ્વરૂપે, જગતથી જુદા બનો,
નક્શો બનો, કવિતા બનો, વાર્તા બનો.
મહેફિલ હો દોસ્તોની કે જાહેર સભાનો મંચ
જ્યાં પણ જવાનું થાય તમારી જગા બનો.
છે પ્રેમ એને યાદગીરીની જરૂર છે,
કંઈ પણ અગર બની ન શકો, બેવફા બનો.
ઉપરની રચનાનો અંતિમ શેર વિવાદાસ્પદ છે! પ્રેમસંબંધ તો ઘટનાપ્રચુર જ હોવો જોઈએ. પ્રેમમાં નિષ્ક્રિયતા સ્વીકાર્ય નથી. અવગણના કે ઉદાસીનતા તો બિલકુલ નહીં. પ્રેમસંબંધ પાસેથી માણસને ખૂબ બધાં સ્મરણો મળવાં જોઈએ. મરીઝ કરે છે કે સારાં નહીં તો બેવફા બનીને કમસે કમ ખરાબ સ્મરણો આપો! આ વાત મસ્તીમાં કહેવાઈ છે, બાકી સચ્ચાઈ એ છે કે દગાબાજી સંવેદનશીલ માણસને અંદરથી તોડી નાખે છે. મરીઝ લખે છે –
તરી જવાની શરત છે સરળ – બહુ જ સરળ,
તમારી જાતમાં દરિયાનાં મોજાં સંકેલો.
હવે તમારાય પાલવનો આશરો ન રહ્યો,
હવે તમારોય પાલવ છે સાવ ફાટેલો.
સ્વયંનિર્ભર હોવું તે શ્રેષ્ઠ સ્થિતિ છે. બાકી પીડાદાયી તબક્કામાં પ્રિયજનની હૂંફ અતિ મૂલ્યવાન લાગે છે, પણ ક્યારેક એવું બને છે કે મુઠ્ઠીમાં પકડેલો પાલવ ફાટી ગયેલો હોય છે. સવા લાખની બંધ મુઠ્ઠી મૂલ્યહીન પાછી ખાલી ને ખુલ્લી થઈ જાય છે. ચિરાઈ ગયેલો પાલવ અને થાકી ગયેલો સંબંધ માણસને કશું આપી શકતા નથી.
હસીને હું સહનશીલતાથી જે વાતો નિભાવું છું,
ભલી દુનિયા તે વાતોથી છૂપો આઘાત શું જાણે?
હજી તો સાથ રહેનારા, મને સમજી નથી શકતા,
નથી જે સાથ મારા, મારો ઝંઝાવાત શું જાણે?
માણસમાત્ર આખરે તો એકલો જ છે. આપણે સૌ આપણી આસપાસ ટાપુ રચીને જીવીએ છીએ. આવું ન ઇચ્છતા હોઈએ તોય થઈ જાય છે, કેમ કે-
અમે બેસી રહ્યા ખામોશ એક જ વાત સમજીને
સમજવા ઇચ્છતું હોતું નથી કોઈયે કોઈને.
પ્રેમ પ્રારંભિક અવસ્થામાં ખૂબ મહત્ત્વાકાંક્ષી હોય છે, પણ તે નિષ્ફળ જાય છે ત્યારે તેની પાસે જીજીવિષા પણ રહેતી નથી. એક નિષ્ફળ પ્રેમી પોતાની નિષ્ફળ પ્રેમિકાને શું કહી શકે? મરીઝની આ રચના ખૂબ વિશિષ્ટ છે-
આપણે બન્ને નકામાં અને બન્ને નિષ્ફળ,
આપણા બન્નેની કોઈ ન કહાની બનશે,
આપણા માટે ન છલકાશે જગતની આંખો,
આપણી વાત ન દુનિયાની ઝબાની બનશે.
કોઈ લેખકની કલમ સ્પર્શ નહીં એનો કરે,
ચિત્રકારો કદી એને નહીં રેખા આપે,
આપણા પ્રેમનો ઉલ્લેખ કદી પણ ન થશે,
આપણા પ્રેમની શાયર નહીં ઉપમા આપે.
આપણે બનવું હતું લૈલા-મજનૂ કે શીરી-ફરહાદ, પણ બની ગયા અજનબી. પ્રેમના ખંડેરમાં રહેતા બે અજનબીઓ કોઈને પ્રેરણા આપી શકતા નથી. છતાંય સાવ અંદર, ક્યાંક કશુંક બચેલું હોઈ શકે, નાના તણખા કે તિખારા જેવું. નિષ્ફળ પ્રેમી પોતાની નિષ્ફળ પ્રેમિકાને કેવો સધિયારો આપે છે તે જુઓઃ
તે છતાં મારી ઓ દિલબર, તું ગમગીન ન બન,
આપણા બન્નેનો વહેવાર સલામત રહેશે,
એને નિષ્ઠુર સમય પણ ન મટાડી શકશે,
હો ન ઉપયોગ – અધિકાર સલામત રહેશે.
દુર્ભાગ્ય એ છે કે પ્રેમી તો ઠીક, જેને મિત્ર માન્યા હતા એ પણ આભાસી નીકળ્યા. સુખના પ્રકાશમાં ફૂટી નીકળે અને દુખના અંધકારમાં પાસે ન ફરકે એને દોસ્ત કેવી રીતે કહેવાય.
સંકટમાં એ સંગાથી કદી થાશે નહીં,
જીવનની તિમીરતામાં એ રોકાશે નહીં,
મિત્રોનો એ આભાસ છે, મિત્રો કેવા?
મૃગજળ છે કદી રાતમાં દેખાશે નહીં.
…ને જીવન નિરુદ્દેશ ઢસડાતું જાય છે. ઉમંગ નથી, ઉત્સાહ નથી, ધ્યેય નથી. છે કેવળ ખાલીપો. મરીઝ લખે છેઃ
જે મને ગમતો નથી એવો જીવનઆરામ છે,
આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે.
લાગણી જ્યાં જોઈ ત્યાં ફોકટમાં વેચાઈ ગયો,
કોઈ ના જાણી શક્યું કે શું અમારાં દામ છે‘?
શું કામ આખી જિંદગી આટલો લાગણીશીલ રહ્યો? કેમ જરાક અમથું હેત જોયું ત્યાં વહી ગયો? જ્યારે આપણે જ આપણી લાગણીઓની કિંમત ન કરતા હોઈએ ત્યારે બીજાઓને શું દોષ દેવાનો? સમય અને સંજોગો જીવનનાં ઘણાં સત્યોને સ્પષ્ટ કરે છે, ઘણાં સત્યોને બદલી નાખે છે. માત્ર સામેની વ્યક્તિ જ નહીં, આપણે પણ ખૂબ બદલાતા હોઈએ છીએ.
આ કહ્યું કોણે, વિરહ, રાતે સમય વીતતો નથી,
અહીં તો લાગે છે કે સદીઓની સદી ચાલી ગઈ.
એક પળ જેના વિના ચાલતું નહોતું, ‘મરીઝ’,
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.
મૃત્યુ અંતિમ પડાવ છે, અંતિમ વિરામ છે, પણ મરીઝને તે પણ પસંદ નથી. મૃત્યુશય્યા પર પડ્યા રહેવામાં તેમને ઐયાશી દેખાય છે.
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી, ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
જીવનની અંતિમ ચરણમાં લાધેલાં સત્યોનું મૂલ્ય કેટલું? આખા જીવનના અર્ક જેવાં જે સત્યો હવે સમજાયાં છે તેને જીવી શકાય એમ નથી, કેમ કે આયુષ્યરેખાનો અંતિમ છેડો આવી ગયો છે. માણસને માગ્યું મોત પણ ક્યાં મળે છે?
જિંદગીમાં આટલું સમજાય તો સારું, ‘મરીઝા’,
જિંદગી સમજીને કોને જિંદગીભર જોઈએ.
આ જગતમાં જ્યાં બધાનું મોત પણ સરખું નથી,
ત્યાં ભલા શું માંગીએ જીવન બરાબર જોઈએ?
મરીઝ આપણી ભાષાના એક અત્યંત માતબર સર્જક છે. એમની શાયરીઓ વહ્યા કરવાનું મન તમને પણ થતું હોય તો અપૂર્વ આશર દ્વારા જહેમતપૂર્વક સંપાદિત થયેલા ‘પુનરાગમન’ નામના દળદાર પુસ્તકમાંથી પસાર થજો. તેમાં મરીઝની સંપૂર્ણ શાયરીને સુંદર રીતે સંગ્રહિત થઈ છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply