Sun-Temple-Baanner

Cine Sandesh : ઇન્ડસ્ટ્રીની આંકડાબાજી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Cine Sandesh : ઇન્ડસ્ટ્રીની આંકડાબાજી


Cine Sandesh : ઇન્ડસ્ટ્રીની આંકડાબાજી

Sandesh – 3 May 2013 – Cine Sandesh

લેખાંજોખાં

વર્ષે અબજો રૂપિયાની ઊથલપાથલ કરી નાખતા ભારતીય સિનેઉદ્યોગનું કદ પરીકથાના રાજકુમારની જેમ સતત વધી રહ્યું છે.

* * * * *

ભારતીય સિનેમાના ઇતિહાસમાં ૨૦૧૩ની સાલ ભારતીય સિનેમાના શતાબ્દી વર્ષ તરીકે નોંધાશે, તો સાથે સાથે ૨૦૦૧ની સાલ પણ એક સીમાચિહ્નરૂપ ઘટના માટે ખાસ ઉલ્લેખ પામશે. ૨૦૦૧માં મોશન પિક્ચર સેક્ટરને ભારત સરકારે મોડો તો મોડો પણ ‘ઇન્ડસ્ટ્રી’ અથવા તો ‘ઉદ્યોગ’નો દરજ્જો આપ્યો ખરો. આ બહુ મોટી રાહત હતી ફિલ્મમેકર્સ માટે. હવે ફિલ્મો બનાવવા માટે તેમને સંસ્થાકીય ફાઇનાન્સ મળવાનું આસાન બની ગયું.

દુનિયામાં સૌથી વધારે ફિલ્મો ભારત બનાવે છે તે જાણીતી હકીકત છે. વર્ષેદહાડે ભારત અંદાજે ૧૨૦૦ ફુલલેન્થ ફીચર ફિલ્મો બનાવી નાખે છે. મતલબ કે દર મહિને ૧૦૦ ફિલ્મો અને રોજની સરેરાશ સવા ત્રણ ફિલ્મો! ધ્યાન રહે કે ભારતીય સિનેમા એટલે કેવળ બોલિવૂડ નથી. બોલિવૂડ યા તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વર્ષમાં ફક્ત ૨૦૦ ફિલ્મો જ બનાવે છે. ભારતમાં ગુજરાતી, બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, ભોજપુરી વગેરે મળીને કુલ ૨૫ પ્રાદેશિક ભાષાઓમાં ફિલ્મો બને છે. ભારતમાં દર વર્ષે ફિલ્મોની ત્રણ અબજ જેટલી ટિકિટો વેચાય છે. જો ગ્લોબલ બોક્સઓફિસ રેવન્યૂ ધ્યાનમાં લઈએ તો ભારતીય સિનેમાનો ફાળો માંડ સાત ટકા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંદાજે ૧૯ લાખ લોકોને રોજીરોટી આપે છે.

ભારતીય સિનેમા ઉદ્યોગના આર્થિક કદ વિશે અલગ અલગ આંકડા ઉછળતા રહે છે. એક અંદાજ પ્રમાણે ૨૦૧૧માં ભારતીય સિનેઉદ્યોગનું આર્થિક કદ ૯૦ અબજ રૂપિયા જેટલું હતું. જો ફિક્કી અને અર્ન્સ્ટ એન્ડ યંગ એજન્સીના આંકડાને આધારભૂત ગણીએ તો ૯ ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથરેટ (સીએજીઆર) સાથે ૨૦૧૪ના અંત સુધીમાં ભારતીય સિનેઉદ્યોગનું આર્થિક કદ સંભવતઃ રૂ.૧૩૭ અબજને ઓળંગી જશે! આટલાં જંગી નાણાંનો કારભાર કરતું ક્ષેત્ર કાયદેસર રીતે ઇન્ડસ્ટ્રી બન્યું તે પહેલાં ઊભડક ધોરણે કામ કરતું હતું. ફિલ્મો બનાવવા માટે પૈસાનું રોકાણ યશરાજ બેનર જેવા મોટા સ્ટુડિયોના માલિકો ઉપરાંત પ્રાઇવેટ ફાઇનાન્સરો કરતા,હજુય કરે છે. બેન્કો ને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂશન્સ ફિલ્મલાઇનને દૂરથી જ પ્રણામ કરી દેતી. આવી સ્થિતિમાં ફિલ્મલાઇનમાં કેટલી હદે કાળું નાણું ફરતું હશે તેની કલ્પના કરી જુઓ. મુંબઈના અન્ડરવર્લ્ડનો પૈસો પણ એક મોટો સ્ત્રોત બની ગયો હતો. કંઈકેટલાય નિર્માતા, ડિરેક્ટર્સ ને હીરો-હિરોઇનોએ અન્ડરવર્લ્ડનાં મોટાં માથાં સામે કુરનિશ બજાવવી પડતી એનું કારણ આ જ.

૧૯૯૫માં અમિતાભ બચ્ચન કોર્પો.લિ. (એબીસીએલ) સ્થાપીને બિગ બીએ કોર્પોરેટ કલ્ચર લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ બાપડા ઊંધા માથે એવા પછડાયા હતા કે ઘા રુઝાતાં વર્ષો લાગી ગયાં. ૨૦૦૦ના દાયકાની શરૂઆત થયા પછી બોલિવૂડમાં કોર્પોરેટ કલ્ચરનો વિધિવત્ ઉદય થયો અને ચિત્ર બદલાવા માંડયું. ૨૦૦૩ સુધીમાં ૩૦ જેટલી ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ. મોટા હોલિવૂડ સ્ટુડિયો બોલિવૂડની ફિલ્મોમાં સહનિર્માતા બને તે ટ્રેન્ડ ૨૦૦૭માં સંજય લીલા ભણસાલીની ‘સાંવરિયા’થી શરૂ થયો. કોલમ્બિયા ટ્રાઇસ્ટાર મોશન પિક્ચર્સ સ્ટુડિયો આ ફિલ્મનો કો-પ્રોડયુસર હતો. ૨૦૦૮માં વોલ્ટ ડિઝનીએ યશરાજ સાથે હાથ મિલાવીને પોતાની પહેલી હિન્દી ફિલ્મ બનાવી – ‘રોડસાઇડ રોમિયો’. વોલ્ટ ડિઝનીએ કમલ હાસન સાથે બે તમિલ ફિલ્મો પણ બનાવી. ૨૦૦૯માં વોર્નર બ્રધર્સે રમેશ સિપ્પીની સાથે ‘ચાંદની ચોક ટુ ચાઇના’ પ્રોડયુસ કરી અને ‘સાસ, બહૂ ઔર સેન્સેક્સ’નું ડિસ્ટ્રીબ્યુશન કર્યું. ખાટલે મોટી ખોડ એ થઈ કે આ ચારેય ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. મોશન પિક્ચર્સ એસોસિયેશન (એશિયા-પેસિફિક)ના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર માઇકલ એલિસે તે વખતે કહેલું, “જુઓ, કોઈ પણ વસ્તુની શરૂઆત થાય એટલે પ્રારંભિક સમસ્યાઓ તો સર્જાવાની જ. પહેલા જ પ્રયત્ને સફળતા મળી જાય તે જરૂરી થોડું છે? હોલિવૂડના સ્ટુડિયોઝ શીખી રહ્યા છે. કમ સે કમ આ ફિલ્મોને કારણે હોલિવૂડે ભારતીય ઇન્ડસ્ટ્રીમાં રસ લેવાનું શરૂ કર્યું છે એટલી તો સૌને ખબર પડી.”

હોલિવૂડે ભારતમાં રસ લેવો જ પડે તેમ હતો. હોલિવૂડની અંગ્રેજી ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે બોક્સઓફિસ પર જે કમાણી કરે છે તેમાંથી ભારતમાંથી કમાયેલાં નાણાંનો ફાળો માંડ સાતેક ટકા જેટલો જ હોય છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા, જાપાન અને મેક્સિકોમાં હોલિવૂડનો શેર ચાલીસ-ચાલીસ ટકા જેટલો તોતિંગ હોય છે. હોલિવૂડને સમજાયું કે સરેરાશ ભારતીય દર્શકને દેશી ફિલ્મોમાં જ વધારે રસ પડે છે. હોલિવૂડના સ્ટુડિયો-માલિકોને એ પણ ભાન થયું કે સ્થાનિક કન્ટેન્ટ માટે સ્થાનિક નિર્માતાઓ સાથે હાથ મિલાવ્યા વગર ચાલવાનું નથી. હોલિવૂડે ભારતમાં નાણું તો ઠાલવ્યું, પણ ગરબડ એ થઈ ગઈ કે ફિલ્મોની પસંદગી કરવામાં તેઓ થાપ ખાઈ ગયા. જોકે પ્રારંભિક નિષ્ફળતાથી ગભરાયા વિના તેમણે યશરાજ, એક્સેલ, વિનોદ ચોપરા ફિલ્મ્સ વગેરે સાથે સંયુક્ત સાહસો કરવાનું ચાલુ રાખ્યું. આનાં સારાં પરિણામો આવ્યાં. આને કારણે હવે બોલિવૂડમાં પરિસ્થિતિ બદલાઈ જરૂર છે, પણ હોલિવૂડની કક્ષાનું કોર્પોરેટ કલ્ચર વિકસતા બહુ વાર લાગવાની છે.

ભારતમાં સૌથી પહેલું આધુનિક મલ્ટિપ્લેક્સ ૧૬ વર્ષ પહેલાં આવી ગયેલું. એ હતું નવી દિલ્હીના સાકેત વિસ્તારમાં શરૂ થયેલું પીવીઆર (પ્રિયા વિલેજ રોડ શો)નું મલ્ટિપ્લેક્સ. ૨૦૦૦ના દાયકામાં આઇનોક્સ, એડલેબ્સ, સિનેમેક્સ, ફન રિપબ્લિક, બિગ સિનેમાઝ જેવા કેટલાય ખેલાડીઓ આવ્યા અને ભારતમાં ફિલ્મ એક્ઝિબિશનનું ચિત્ર નાટયાત્મક રીતે બદલાવા માંડયું. થોડા મહિનાઓ પહેલાં પીવીઆરે મુંબઈસ્થિત કાણકિયા ફેમિલી પાસેથી ૩૯૫ કરોડ રૂપિયામાં સિનેમેક્સ ચેઇન ખરીદી લીધી. ફિલ્મી એક્ઝિબિશનના ક્ષેત્રમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સોદો છે. પીવીઆર આજની તારીખે ૩૫૧ સ્ક્રીન્સ સાથે ભારતની નંબર વન મલ્ટિપ્લેક્સ ચેઇન છે.

ભારતમાં આજની તારીખે આશરે ૧૦,૫૦૦ જેટલાં સિંગલ સ્ક્રીન થિયેટરો છે. દાયકા પહેલાં આ આંકડો ૧૩,૭૦૦ હતો. મલ્ટિપ્લેક્સ અસોસિયેશન ઓફ ઇન્ડિયાની ગણતરી પ્રમાણે દેશમાં આજની તારીખે મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં કુલ ૯૦૦ સ્ક્રીન્સ ધમધમે છે. આવતા એપ્રિલ સુધીમાં આ આંકડો ૧૩૫૦ થઈ જશે એવો અંદાજ છે. ‘ઓહોહો… આટલાં બધાં મલ્ટિપ્લેક્સ!’ એવું તમને લાગતું હોય તો જાણી લો કે ભારત કરતાં અમેરિકાની વસ્તી કયાંય ઓછી છે, છતાંય એકલા યુએસએમાં ૫૦૦૦ મલ્ટિપ્લેક્સની ૪૦,૦૦૦ સ્ક્રીન્સ ધમધમે છે… અને આ ૨૦૧૦નો આંકડો છે. ભારતમાં ૧ લાખ લોકોદીઠ ૧ સ્ક્રીન છે, જ્યારે અમેરિકામાં ૧ લાખ લોકોદીઠ ૧૨ સ્ક્રીન્સ છે. આપણા કરતાં અમેરિકનો થિયેટરમાં જઈને ફિલ્મો જોવાના વધારે શોખીન છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.