વાત વધુ શું કરવી..
કૈં નથી કે છે ની દ્વિધા ડાબા હાથે ફગવી..
એની વાત વધુ શું કરવી..
એનું હોવું એવું કે જ્યાં જોઉં ત્યાં એ જડે.
દસે દિશાએ એને જોતી આંખને કૈં ના નડે.
રાતવરતના વરતારાથી જાત થઈ છે નરવી..
એની વાત વધુ શું કરવી..
હાથમાં રાખ્યું હૈયું તો યે એની તરફે ઝૂકે,
એને ગમતા થાવાની તક ‘હું’ કદી ના ચૂકે.
ના કે હા માં સમભાવે મેં સમજણ લીધી પકવી..
એની વાત વધુ શું કરવી..
લાગણીઓની સોળ કળાઓ હોંશે હોંશે પોંખું,
રંગછટ્ટાઓ એની સઘળી જપમાળા લઇ ગોખું.
વસમી વેળની વૈતરણીને ધીરજ રાખી તરવી..
એની વાત વધુ શું કરવી..
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply