ઝરમર ઝરતાં જળનાં ફોરાં
શિશથી ઉતરી
ઉરમાં સરકી
સરસર કરતાં નાભિ ચૂમે
અંગ અંગ રોમાંચે ઝૂમે
રતિવર રગરગમાં ઘૂમે
રોમેરોમ સરકતા મીઠાં
પંચસરનાં બાણ અદિઠાં
જયાં દીઠી વર્ષામાં ન્હાતી
દિલ સોંસરવી ઉતરી જાતી
ખળખળ જળમાં ભળતી ઠરતી નટખટ એવી ધન્યા
સાંગોપાંગ ને અંતર ભીંજવી હૈયું હણતી વરસાદી કન્યા….
મલમલ કાયા
લાગે છાયા
નેહ ટપકતું સૌષ્ઠવ જેનું
એવી એ કુદરતની માયા
શીત પવનની લ્હેરે ઉડતો
સાડી પાલવ ઢળતો પડતો
સંભાળતી ને નમતી ત્યાં તો
ઉરભાર ઉરુ થઈને ઢળતો
ત્યારે નિતંબનાં રસ રમણા
જાણે ખુલ્લી આંખે સમણાં
જયાં દીઠી વર્ષામાં ન્હાતી
દિલ સોંસરવી ઉતરી જાતી
ખળખળ જળમાં ભળતી ઠરતી નટખટ એવી ધન્યા
સાંગોપાંગ ને અંતર ભીંજવી હૈયું હણતી વરસાદી કન્યા….
કંચન વરણી
ચલતી હરણી
નટખટ ને રૂપાળી મેના
ઉતરી જાણે આજે ધરણી
જયાં દીઠી વર્ષામાં ન્હાતી
દિલ સોંસરવી ઉતરી જાતી
ખળખળ જળમાં ભળતી ઠરતી નટખટ એવી ધન્યા
સાંગોપાંગ ને અંતર ભીંજવી હૈયું હણતી વરસાદી કન્યા….
– ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
Leave a Reply