વ્હેંત ઊંચેરી ચાલું..
રાહ નિરખવાના વૈભવથી દર્પણ લાગે વહાલું..
ગમતું સઘળું થાય નહીં એ વાત ભલે હો સાચી
ભીતરની આરત આગળ એ સ્હેજ પડે છે કાચી
પથરીલા ને લાંબા પથ પર હાથ સમયનો ઝાલું…
ને, વ્હેંત ઊંચેરી ચાલું.
દ્વારપાળ થઇ નજર તો બેસે દ્વારને ખુલ્લા રાખી
મૂરત રાખી એમ હ્રદયમાં થાય કદી ના ઝાંખી,
રાધા, મીરાં ને શબરીની વાત સૂણીને મ્હાલું…
ને, વ્હેંત ઊંચેરી ચાલું.
ઢળતો, ઊગતો સૂરજ આપે રોજ નવી એંધાણી
એથી તો આ જાતને માંજી રોજે થાય ઉજાણી
મોસમની મોહતાજ નથી હું બારે મહિના ફાલું..
ને, વ્હેંત ઊંચેરી ચાલું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply