વ્હાણું એમ જ નથી કંઇ વાતું
સપ્તસૂરોની સરગમ સાથે મૌન રહે
ઘૂંટાતું ને પડઘાતું
એનું તેજ તરત પરખાતું
ખાલી ખીસ્સે, ભરચક હૈયે
ફાંટ મોજની ભરી લીધી છે
જણસ જુઓ કે જુઓ ખજાનો
ખુલ્લી હથેળી ધરી દીધી છે
જાપ્યું નથી કે ઘૂંટયું નથી
એ નામનું વળગણ સ્હેજે ના વિસરાતું,
હોવું એનાથી સરજાતું..
વ્હાણું એમ જ નથી કંઈ વાતું.
જતું કર્યું તો મળ્યું ઘણું એ
અકળલીલાની ઝીલી છે રસલ્હાણી
નજરમાં એક જ વાત હતી કે
સુરતા ઉપર ફરી વળે ના પાણી
ગડી કરેલું મન ખુલ્લીને પલકવારમાં
પાછું સંકેલાતું,
ધ્યાનમાં સઘળું એ અંકાતું..
વ્હાણું એમ જ નથી કંઈ વાતું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply