વાટ જોવાની વાતને વધાવી
આ હૈયું તો પડી ગયું હૈયાના રાગે.
એને અળગું કહો કેમ લાગે?
તમે તમને મળો એવી ઘટના ઘટે
પછી આયનાને લાગે છે ખોટું,
જેવાં હોઈએ તેવાં રહેવા ને હળવા થવાનું
આ કારણ મળ્યું છે મસમોટું.
ગમતી પળોએ માંડી ગોઠડી તો
હૈયામાં ઝીણેરાં જંતર કંઈ વાગે,
એને અળગું કહો કેમ લાગે?
હાથ લાંબા નથી ને પહોંચ ઊંચી નથી
ને તોય હોવું ન ક્યાંય પાછું પડતું,
પાણીની જેમ જરા વહેવાનું શીખ્યું ત્યાં
મારગમાં કંઈ જ નથી નડતું.
મૂડી મોંઘેરા સ્મરણોની સાચવીને રાખનારું
હૈયું તોરણ નવા ટાંગે,
એને અળગું કહો કેમ લાગે?
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply