ઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે
સીધે કાઢવું છે ઘી તો બોલ, મને વાંકી નહીં ફાવે
ભોળો ભલો ને મૂર્ખ હું, મને ચાલાકી નહીં ફાવે
કોઈની લીટીને ભૂંસીને, મને તરક્કી નહીં ફાવે
નિષ્ફળતા, વિઘ્નોને હું સ્વીકારી લઈશ આખા
સૌની પ્રાપ્તિ એકલાં લેવાની, મને પદ્ધતિ નહીં ફાવે
દેવા હોય તો દર્શન દે પૂરાં એ ઈશ્વર, એ પ્રિયે
સમૂળગાનો જીવ છું હું, મને ઝાંખી નહીં ફાવે
આજે ઉધારને કાલે રોકડાં એવું ના કર તું પ્રભુ
કર્મનો ચૂકતો કર હિસાબ તું, મને બાકી નહીં ફાવે
તું કૃષ્ણ તો હું ય સુદામા છું તારો જ દોસ્ત પ્રભુ
લેવાં તું જ આવજે દોડીને, મને પ્રોક્સી નહીં ફાવે
રાવણને મારીશ તીર તો છાતીએ જ મારીશ હું
રામનો જ વંશજ છું તો ય, મને નાભિ નહીં ફાવે
પાવું હોય તો તું જ પાજે મને મય કે ગંગાજળ
યજમાન તું જ બન પ્રભુ મારો, મને સાકી નહીં ફાવે
-મિત્તલ ખેતાણી
Leave a Reply