થોડી ધીરજ ધરજે. . .
કાગળ. . . થોડી ધીરજ ધરજે.
શક્યતા સો ટચની છે કે કોઇ તને પણ સમજે. . . .
કાગળ થોડી ધીરજ ધરજે.
પોત સફેદી તારું જોઈ હાથ ને હૈયું રીઝે,
તારી ઓથે વેળા સઘળી સાવ સહજ થઇ સીઝે,
હળવી હો કે ભારી હો પણ ક્ષણને સાર્થક કરજે. . .
કાગળ થોડી ધીરજ ધરજે. .
ભીતર નો રવ ઝીલવાને તું રાત-વરત પણ જાગે,
વાત વિસામા કાજે તારો હાથ બધા યે માંગે,
ભાવતણી ભરતીની જેમ જ ઓટ બધી તું ખમજે. . .
કાગળ થોડી ધીરજ ધરજે. .
સારી-નરસી ઘટના ટાણે તાજના સાક્ષી થાવું,
પીડાનો સંદેશ ગ્રહીને ગીત મજાનું ગાવું,
સહદેવી આ પીડા અંતે તારું હોવું સરજે. . .
કાગળ થોડી ધીરજ ધરજે. .
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply