સમય. . .
તારા પાસા અવળા પડ્યા નહીં ?
તેં ઉદારતાથી આપેલા ખાલીપાને. . .
જ્યારે
મેં આમ પોંખ્યો કે. . .
ઉત્તર બધાયે એના વજનદાર હોય છે
ખાલીપો એ રીતે તો અસરદાર હોય છે
ત્યારે. . .
તને નવાઈ લાગી ને ?
પણ,
ખરેખર. . . સમય,
તેં દીધેલા ખાલીપાને કારણે જ
હું મને મળી શકું છું. . . !
ને,
એટલે જ એ અંગે મેં તને કદી ફરિયાદ નથી કરી.
અને, ફરિયાદ કરું પણ કેમ ?
કારણ કે. . .
આ ખાલીપાથી તો હું સભર થાઉં છું
એટલે જ તો એનો મહિમા હું આમ કરું છું કે. . .
ઋણાનુંબંધ કેવો હશે એની સાથે નો ?
ખાલીપો એકલું જરી યે લાગવા ન દે. . !
અને. . . સમય, તેં દીધેલા ખાલીપાને સાવ એળે તો કેમ જવા દેવાય ?
આ પ્રશ્નના જવાબમાં આટલું જ કે. . .
ખાલીપો ખાળવાના નુસખામાં
જે ભર્યું તે મળ્યું છે પડઘામાં. . !
હવે મને લાગે છે કે તને સંતોષ થયો હશે કે
તું જે કંઈ પણ આપે. . એને હું મારી રીતે પોંખું છું
ને. . . તારું હોવું સાર્થક કરું છું.
બસ. . . તો મારા માટેનો તારો લગાવ આમ જાળવી રાખજે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply