શ્રી કૃષ્ણ હરે
છંદ જાત :- તોટક
કર ચક્ર ધરે કર પદ્મ ધરે,
મુખ સ્મિત અને સુર વેણુ ધરે,
કુળ યાદવ છે થઈ ગ્વાલ ફરે,
શિર પંખ મયૂર શ્રી કૃષ્ણ હરે
||૧||
પજવે ફરતી સહુ ગ્વાલણને,
મટકી ભરતી લઈ માખણને,
પથરો મટકી પર ઘાત કરે,
મમ માખણચોર શ્રી કૃષ્ણ હરે
||૨||
યમુના તટ કાલિયને લડતાં,
કદી સંગ સખા રમતાં પડતાં,
વન ગોપ સખી સહ રાસ કરે,
રુપ એક અનેક શ્રી કૃષ્ણ હરે
||૩||
ગમને બલરામ સહી મથુરા,
જઈ કંસ હણે રણ ધર્મધુરા,
કદી બૌદ્ધ બની ઉપદેશ કરે,
સચરાચર નામ શ્રી કૃષ્ણ હરે
||૪||
રગમાં રજમાં જગમાં ઘટમાં,
વસતાં ભગવાન શિશું હઠમાં,
કદી કીટક તો રુપ વ્રાહ ધરે,
પરમો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ હરે
||૫||
~ ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
Leave a Reply