અરે વાહ,
જો ને નવી નક્કોર સવાર મળી.
ઓહો!,
સૂરજદાદા ય આજ વહેલો નાહી ધોઈ ને પુગી ગ્યાં.
તે આવે જ ને.
કાલે કેવી ખિજાણી તી?
મોડાં આવ્યા એમાં મારાં આંસુ પુરા ના સુકાયાં,
આખો દી ને કાલ ની રાત લાગ્યું ભીનું ભીનું,
ભઇલા એં સૂસું કર્યું હોય ને મા ભૂલી ગઈ હોય એમ જ હો!.
મને શરદી થઇ જાત તો?.
રૂમાલ રાખવો મને જરાય ના ગમે..
હું હાથે કરીને સ્કૂલે એટલે જ રોજ ભૂલી આવું.
મારે તો આજ ય ડેડી નાં કિટ્ટા છે.
ઓમે ય,
એને હું ક્યાં ગમું છું.
જો ને,
દિ’ માં ત્રણ વાર સંભળાંવે,
તને સાસરે મોકલી દેવી છે.
તો ખોટાં સાસરે જાવું એના કરતા,
મોટું ગામતરું શું ખોટું?
ને મા ય ક્યાં ઓછી,
આ શીખ, આ ના વીંખ.
કાલાધેલાં ઓરતાં ને રોજ મારે ઢિંક,
ભઈલો એને બહું વ્હાલો,
એને કાંઈ નો કયે.
સાસું ને નણંદ ના નામે મુનેે બિવડાવે.
મારે તો મીરાં થઇ જાવું છે,
કાળીયાં ઠાકર ને પરણું એટલે હાઉં.
કેટલાં બધાં બા ને દાદા રોજ અન્નકૂટ જમાડે,
પારણે ને,સુવું હોય ત્યાં લગણ પોઢાડે.
એમ થાય કે વૈકુંઠ વઇ જાઉં તો?
પેલાં પુજારી કેતાં તાં ,
મોક્ષ એટલે જલસો.
ના દફતર ઉચકવુ,
ના હૉમવર્ક બ્લડ પ્રેસર વધારે.
ટીચર ને ય રોજ જોવાં મટે.
ને રમવા નું તો હૈસેં જ ને.
આવડું કમઠાણ હોય ન્યાં?
બહેનપણી તો નવી કરી લઇશ.
વોટર બેગ પીગ્મિ થી ખરીદી લઈશ.
પેલી બાર્બંલી સહેજ તૂટલિ છે,
પણ,મને ખુબ ગમતી છે.
સ્કૂલબસના છગનમામા દઈ જાશેઈતો
ભઈલો તો લાડકો, મારો વીર છે ને,
રમકડાં મારા બધાં એનાં.
ને મારો ભાગ,અને,
મારાં ભાગ ના લાડે ય ડબલ એ એનાં.
રાખડી તો ટપાલિકાકાને આપીશ તો એ દઈ દેશે,
ટીનકીને કંઇસ તારે ભાઈ જોતો તો ને?
લે દીધો ભઈલો મારો.
બાંધજે મારી રાખડી.
ને મારી ગિફ્ટેય લઇ જાજે બસ.
મા ડેડી ભલે રોતાં જોઈને ફોટો.
મને ય જોને મેળા જાવાં હારું કેવી રોવડાવી તી.
ડેડીને ય ખબર પડશે હવે..
કોણ ભરશે દસ વાર બકકો?
ને મા નું માથું ઓલાં રમામાસી દાબશે?
એને ક્યાં ટાઈમ?કેટલા ઘર નાં કામ.
આજે તો સૂરજદાદા એ અંચી કરી,
ને મારા મામા વયાં ગ્યાં.
આ સુરજ કાલે મોડો ઉગે ને તો
હું ય ચાંદા મામા પાસે હાયલી જાઉં.
~ મિત્તલ ખેતાણી
Leave a Reply