મને હંમેશા લાગ્યું છે કે હું નિતાંતપણે ગદ્યનો માણસ છું. પદ્યનો નહીં.
મને હંમેશા લાગ્યું છે કે હું નિતાંતપણે ગદ્યનો માણસ છું. પદ્યનો નહીં. પદ્ય પ્રત્યે કાયમ ભયમિશ્રિત અહોભાવ રહ્યો છે. એમ થયા કરે કે કવિતા એ આપણી લેન નહીં. છતાંય ક્યારેક ક્યારેક – સમજોને કે આખી લાઇફમાં પાંચ-છ વાર – કવિતા લખવાની ચેષ્ટાઓ કરી છે. ને વળી સુરેશ દલાલ જેવા સેલિબ્રેટેડ કવિ જ્યારે એમના ‘કવિતા’ મેગેઝિનમાં આપણી કૃતિ બહુ પ્રેમથી છાપે એટલે આશ્ચર્યમિશ્રિત રોમાંચ પણ થાય. આજે વિશ્વ કવિતા દિન નિમિત્તે મૌસમ ભી હૈ ઔર દસ્તૂર ભી હૈ એટલે મારી એક કવિતા અહીં શેર કરું છું અને ‘નવનીત સમપર્ણ’ જેવા સ્તરીય સામયિકના 2018ના એક અંકમાં તે પ્રકાશિત કરવા બદલ તંત્રી દીપક દોશીને પુનઃ થેન્ક્યુ કહું છું. કેવી લાગી તે કહેજો.
ખૂંધ
——-
ખૂંધની જેમ ફૂટી નીકળ્યો છું હું મારાં અસ્તિત્ત્વ પર.
ચોંટી ગયો છું હું મારી જ પીઠ ઉપર.
સજ્જડ, ચસકી ન શકાય એમ.
વિક્રમની પીઠ પર ચડી બેઠેલા બિહામણા વેતાલ જેવો.
થાકી ગયો છું ખૂંધના કુત્સિત બોજથી.
કંટાળી ગયો છું મારા જ એ અંશથી.
મારી પીઠ બેવડ વળી ગઈ છે
એના નિર્જીવ ભારથી.
ખુદનો કોલાહલ સાંભળી સાંભળીને મારા કાનમાંથી લોહી ટપકવા લાગ્યું છે.
દૂર ફગાવી દેવી છે મારે એ ખૂંધને.
નિર્ભાર થઈ જવું છે એના વજનથી.
પણ હું ઉખાડી શકતો નથી.
ખૂંધ આખાય શરીર કરતાં મોટી થઈ જાય તે પહેલાં
ધારદાર લાવો કશુંક, કરવત જેવું.
ચીરીને, લોહીલુહાણ કરીને, કોઈ પણ રીતે –
અલગ કરી દો એને.
પીઠ પરથી છૂટો પાડેલો એ ટુકડો મને દેખાડશો પણ નહીં.
કચકચાવીને દૂર ફંગોળી દો એને.
અસ્તિત્ત્વનો એ ટુકડો ફરી પાછો કદી જોડાવો ન જોઈએ.
જરાસંઘના શરીરના અર્ધભાગોની જેમ.
નિરાંત થઈ જશે મને.
હાશ…
પછી કદાચ નિશ્ર્તિંતપણે શ્ર્વસી શકશે મારો ત્રસ્ત આત્મા.
માંહ્યલાને જીવાડવા આટલું તો કરવું પડશે.
– શિશિર રામાવત
Leave a Reply