વાદળો તો આવે જ છે પલાળવા
તું બેઠો છો જોને મોઢું સંતાડવા
ડાહ્યોડમરો થઈ નાંહી લે દોસ્ત
તારી પીડા સૌ ફગાવી દે દોસ્ત
આટલું વિચારે ય નથી વિચારતો
વિધાતાને કરવું હોય ભલે કરતો
છાંટા કેટલાંય કાંટા કાઢી નાંખશે
ચક્રવ્યૂહેથી ફાંટા કાઢી આપશે
ભેજ લૂંછી આપશે રુદનો તારાં
વાદળો બનશે સ્વજનો પ્યારા
ઉઠ અક્કલમઠ્ઠા ઉભો થા ભીંજા
એકલો તારી જાત પર ના ખીજા
વીજળી કરશે તને આખો નવો
તું તું થઈ નિકળીશ સાજોનરવો
તણાશે દગો, ગુસ્સો ને હતાશા
રહેશે હાસ્ય, પ્રેમ ફક્ત જલસા
વરસાદ વરસાદ નથી છે વરદાન
વરસાદ એટલે વરસતાં ભગવાન
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply