જે મળવાનું નથી એ હવે ઝંખવું નથી
જે આવડવાનું નથી એ હવે શીખવું નથી
હું મારામાં ‘એક’ અને ‘એક માત્ર’ છું
અસ્તિત્વની રચનાને હવે વખોડવું નથી
મારી મસ્તી વ્હાલી, સુંવાણ મારી અનોખી
બનવાં મથી ‘અન્ય’, જાતને હવે નિકંદવું નથી
પ્રેક્ષક, હરીફ, નિર્ણાયક નિર્ધારે જ્યાં પરિણામ
કઠપૂતળીની એ રમત હવે રમવું નથી
ડરવું તો ફક્ત ઈશ્વર અને ખરાબ કર્મોથી
કાળા માથાનાં માનવીથી,હવે ડરવું નથી
છું માનવ ને છે મર્યાદા અનેક, ને કદાચ રહેવાની
ત્રિશંકુ ના બનું તોય ઘણું, પ્રભુ સમું સુધરવું નથી
ઉજવાઉં હું જ્યાં કે ખોટ મારી જેને વરતાંય
એવાં દિલો-સ્થળો સિવાય, હવે ક્યાંય જવું નથી
મન, મગજ, મસ્તિષ્ક મારાં ય ક્યાં વાપરું પૂરાં?
બીજાનાં વ્યક્તિત્વને, પરાણે અનુસરવું નથી
મારો સ્પર્ધક હું જ, સુધારક બનું સતત ખુદનો
કેડી મારી કંડારવી, કોઈનાં રાજમાર્ગે ભટકવું નથી
રિમોટ હું જ મારો, ‘કંટ્રોલ’ સ્વીકારું ફક્ત ઈશ નો,
સત્ય, પ્રેમ, કરુણા ઘણું, બીજું કંઈ ભિક્ષવું નથી
અસ્તિત્વ આવકારે છેલ્લે હસતાં એની બાહોંમાં
મોક્ષ-પૂનઃજન્મની વાતોમાં, ઝાઝું પડવું નથી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply