સરદાર તમે આવો ને
સરદાર તમે આવો ને.
માતૃભાષા ને વિસરાવી અંગ્રેજીએ,
મા ને ઘેરેલાં વિદેશીઓને ભગાવો ને.
સરદાર તમે આવો ને.
ધર્મ,જાતિ,રાજ્યમાં વહેંચાયેલાં ભારત ને,
શિસ્ત,એકતા,મનોબળ નાં પાઠ ભણાવો ને.
સરદાર તમે આવો ને.
‘યદા યદા હી ધર્મસ્ય’વચન ભુલ્યો નથી ને કાન?
લાખો દુર્યોધનો,શિખંડીઓને હરાવો ને.
સરદાર તમે આવો ને.
મા ભારતી હવે છે અલગ બેડી ઓ માં,
રાજમાર્ગ આઝાદીનો ફંટાયો કેડીઓ માં,
તમે હતાં ગૃહમંત્રી તો ગૃહશત્રુઓ થી,
ભારત ની પ્રજાને બચાવો ને.
સરદાર તમે આવો ને.
સરદાર હતાં ને હોય એક જ,
‘છોટે સરદાર’ સ્વયંભૂ થયાં કેટલાંય.
‘અસરદાર’ સરદાર હોય એક જ,
‘ખોટે સરદાર’ બન્યાં પ્રપંચી કેટલાંય.
ચાણક્ય તમે,સાચાં ચંદ્રગુપ્ત ને બનાવો ને.
સરદાર તમે આવો ને.
સામ-દામ-દંડ-ભેદ થી નીતિ કરી તમે કૂટ,
લાલ આંખે, સત્ય ની શાખે તમે મીટાવી ફુટ;
ગાંધીજીનાં એક ઈશારે તમે ઠુકરાવ્યૂ સિંહાસન,
સૌ પક્ષો રાષ્ટ્ર નાં, તમે રાજધર્મ નિભાવો ને.
સરદાર તમે આવો ને.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સારું, આવકાર્ય,
શિખ ઊંચાઈ તમારી પહોંચવું અશક્ય.
તમારાં નખ જેટલું વાસ્તવ જીવીને,
લોકશાહી અને જાત ને આપણે બચાવો ને.
સરદાર તમે આવો ને.
562 રજવાડાં એક કર્યા સરદારે,
543 સાંસદો એક થઈ ને બતાવો ને.
સોમનાથ,જૂનાગઢ,નિઝામ જેવાં ત્યારનાં પ્રશ્નો
હવે કેમ દરેક શેરીઓમાં?..સમજાવો ને.
નેતાઓ મનોવૃત્તિ તમે બદલાવો ને.
સરદાર હવે તો તમે આવો ને…
સરદાર તમે આવો ને.
– મિતલ ખેતાણી, રાજકોટ
Leave a Reply