તું મને પહેલાં જેવો કરી દે
અસ્તિત્વ!
તું મને પહેલાં જેવો કરી દે
સાંતા કલોઝનાં થેલા જેવો કરી દે
સાધ્ય,સાધન,સાધનાને સિદ્ધિ વરાવવા
સૌ કેટલાંય જન્મો મોડાં પડે છે…
માંડવાલી કર ને!,તું મને વહેલાં જેવો કરી દે
ભૂખ ભાંગે બચ્ચાંઓની તો ય રોટી ન જ ખૂટે
ગરીબડી એ મા નાં ચૂલા જેવો કરી દે
હસતાં હસતાં ધકેલે સૌભાગ્યને વીરગતિમાં
કર્તવ્યપાલન કરતી સતીનાં ચૂડલા જેવો કરી દે
વ્યવહારનું ગણિત તો છે અઘરું ને ડોલરિયું
આધ્યાત્મ ગણિતને ગણાવી સહેલાં જેવો કરી દે
લાગે ના કોઈ જ પારકું, ના કોઈ અજાણ
બાળ સમ હું ને સૌને મારા સગાં ને વ્હાલાં કરી દે
તે મોકલ્યો તો જેમ તેમ જ જવાનું છે દિગંબર
એટલે જ,સત્ય-પ્રેમ-કરુણામાં ઘેલાં જેવો કરી દે
પંગતમાં જ બેસવાને સૌ કોઈ છે આતુર
પીરસવામાં અસ્તિત્વ તું મને પહેલાં જેવો કરી દે
તું મને પહેલાં જેવો કરી દે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply