બીજે દિવસે બને પસ્તી, એવું ક્લિક નથી થાવું
દ્રોણ,ભીષ્મની જેમ ચીરહરણે પ્રેક્ષક નથી થાવું
થાવું છે ખિસકોલી, ધર્મયુદ્ધનાં દર્શક નથી થાવું
ક્યાંક ને ક્યારેક ભલે ને રહેવું પડે મેટરમાં જ
દરેક જગ્યાએ ને દરેકમાં મારે શિર્ષક નથી થાવું
જીતવાં છે મરણમૂડી તાંદુલ,ભાજી,બોર હારીને
પ્રભુને પામવાં મારે વશીકરણ કે ત્રાટક નથી થાવું
મંચ,નેપથ્યમાં એકસરખો જ હોય ભાવ ને ભૂમિકા
કથની કરણી અલગ અલગ એવું નાટક નથી થાવું
જાણીને જોઈને છેતરાઇ જવું છે છેતરવાવાળાથી
અસ્તિત્વ સિવાય ક્યાંય કોઈ રકઝક નથી થાવું
બની જવું છે શૂન્ય અર્પીને જાત નો પૂર્ણ પૂર્ણાંક
આપી જ દેવા છે કવચ ને કુંડળ,જરીક નથી થાવું
સાધ્ય,સાધના,સાધનનો સિદ્ધિ શિલાલેખ સર્જીશ
બીજે દિવસે બને પસ્તી, એવું ક્લિક નથી થાવું
આત્માનો અવાજ ભલેને લઇ જાય કમળપૂજા સુધી
ખુમારીથી કરીશું જૌહર,ધૃતસભાએ નર્તક નથી થાવું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply