આંખ બંધ થવાની હોય ને ત્યારે જ તો ખુલતી હોય છે
ભલભલી ખોપરીઓ પણ ગંતવ્ય જ્ઞાન ચૂકતી હોય છે
આંખ બંધ થવાની હોય ને ત્યારે જ તો ખુલતી હોય છે
બહું ચિંતા ન કરો માન,અપમાન કે સાંસારિક વિષયોની
દુનિયાનું શુ છે,એ તો સારું-ખરાબ બધું ભૂલતી હોય છે
હવે ક્યાં માવતરનેય જોઈએ છે કાવડ યાત્રા શ્રવણની
મમતા બટકું રોટલો,સંતાન સમય માટે તરસતી હોય છે
કર્મનો સિધ્ધાંત ને કર્મનો હિસાબ ફરી ગયો છે કળિયુગે
કુદરત પણ એમ લાગે છે કે આડેધડ વરસતી હોય છે
ક્યાં નડે કોઈ કોઈને,સૌ સૂતાં છે પોતાની મોહ નિશામાં
નડનારાને તો બીજાને નડવાની વૃત્તિ જ નડતી હોય છે
સારું છે તેને શોધવામાં તો ક્યાં કોઈને સહેજેય રસ છે?
ખરાબ તો જેવી જેને જોઈએ તેવી મળી જતી હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply