રથ તો ઠીક છે,પથ પછી આ પથ રહેશે શું?
સૌ કરે એમ જ કરું તો આત્મા કહેશે શું?
પ્રવાહ સાથે જ જો વહું તો પછી વહેશે શું?
સત્ય,પ્રેમ ને કરૂણા એ જ તો છે જીવનમૂડી
એને ય જો ત્યજુ તો બાકી પછી રહેશે શું?
મહાભારતને જીતવા બોલવાનું છે અર્ધસત્ય
રથ તો ઠીક છે,પથ પછી આ પથ રહેશે શું?
સત્યનાં ચક્રવ્યૂહે ભલે ને પતાવી દયે સ્વજનો
અસત્યનો પાળિયાં ટાંકણાંની પીડા સહેશે શું?
ભગવાનનાં કામને ભગવાન ભરોસે કેમ છોડવું?
પુરુષાર્થ વિના આ પ્રારબ્ધ પ્રારબ્ધ રહેશે શું?
અયાચકતાનું જ વરદાન કે પ્રભુય બન્યો યાચક
કવચ,કુંડળને જો ન આપું તો આ વ્રત રહેશે શું?
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply