છાપ અલગ મેં છોડી… ગીત સંગ્રહમાંથી.
નથી તો વખોડયું, નથી તો વખાણ્યું
એ, ટાણાં વિશે વાત માંડીને કરવાનું,
ટાણું મેં મનભરી માણ્યું.
આંખોમાં ટોળે વળીને વાટ નીરખતી પળને ના થાક કદી લાગે
તોરણીયા ટાંગીને, રંગોળી પૂરીને આરત અધૂરી એક જાગે
તમને આમાંનું કશું અડકયું કે નહિ એનું
ઓછું જરીકે ના આણ્યું
એ, ટાણાં વિશે વાત માંડીને કરવાનું,
ટાણું મેં મનભરી માણ્યું.
તડકા, ઝાકળ, લુ, વરસાદી મોસમના બદલાતા રંગોને ઝીલ્યા
હોઠને હસાવતા, પાંપણને લૂછતા
રસવંતા ઓરતાઓ ખીલ્યા
હોવું તમારું નજર સામે રહ્યું તો પછી ખુદના વિશે ઘણું જાણ્યું
એ, ટાણાં વિશે વાત માંડીને કરવાનું,
ટાણું મેં મનભરી માણ્યું.
લક્ષ્મી ડોબરિયા.
Leave a Reply