કાદવો વચ્ચેનું એકલવાયું કમળ સાચવી લેજો
કાળમીંઢ પથરાં વચ્ચેની લીલી કૂંપણ સાચવી લેજો
શબરી સાથેનાં ભવોભવનાં અન્નજળ સાચવી લેજો
દુનિયા તો અનુસરશે તમારાં જીવનકવનને જ પ્રભુ!
માનવ દેહે આવો ત્યારે નબળી પળ સાચવી લેજો
મરજીવાં તો શ્વાસભોગે પણ ઝઝૂમશે દરિયા સામે
આશા શ્વાસ ખૂટે,તૂટે એ પહેલાં તળ સાચવી લેજો
ખૂબ લોભામણું હોય છે જેવાં સાથે તેવાં થઈ જવું
કાદવો વચ્ચેનું એકલવાયું કમળ સાચવી લેજો
કર્મયોગ તો સમજવો ખૂબ અઘરો છે નિષ્કામતાથી
અપેક્ષાએ નથી કરતો સત્કર્મ,તેનું ફળ સાચવી લેજો
ઉપર આભ,નીચે ધરતી હોય તો ય ન ચૂકે જે નીતિ
બળેલી તેની દોરીનો પ્રભુ હૂંડી વળ સાચવી લેજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply