ફીલિંગ્સ..દીપોત્સવી ૨૦૧૯ના અંકમાં પ્રકાશિત મારું ગીત. 🙏
હકીકતને રાખી નજરમાં ને ધારણાં જ્યાં ધારી, ત્યાં હૈયું ગમતીલું પૂરે ખાનું.
એમાં ખુદને જડવાનું જડયું વાનું.
ધખારો કહો કે કહી દો ઉમળકો પણ,
આગળ જવાનું રોજ થાતું
શરમે ને ધર્મે જ્યાં હોઠ ના ખુલ્લે ત્યાં આંખ્યુંમાં ઘૂમરાતી કેટલીય વાતું
મળવું ના મળવું છે ગૌણ એવું કહીને
તરત શોધી લેવાનું તાજું બહાનું
એમાં ખુદને જડવાનું જડયું વાનું.
ટાણે-કટાણે આ ઈચ્છાયું જાગે ને
વેશ ધરે પાછા વરણાગી
આડું ને અવળું બધું ય નકારી મેં તો
નાડ ઝાલી મૌન લીધું તાગી
તરોતાજા થવાનું એક કારણ જડ્યું છે એને સ્હેજે રાખી લઉં છું છાનું
એમાં ખુદને જડવાનું જડયું વાનું.
નથી તો લંબાવ્યા કે જોડ્યા બે હાથ કદી વાયરા કે વાદળની સામે
સુગંધિત આ શ્વાસો ને ઝીણાં ઝીણાં ઓરતા મેં લખી દીધા ગમતાં એક નામે
તમારી પાસે તો છે આખ્ખીયે વારતા ને
મારી પાસે કોરું એક પાનું
એમાં ખુદને જડવાનું જડયું વાનું.
લક્ષ્મી ડોબરિયા.
27 oct 19
Leave a Reply