” અંધારાની ધાર ”
ક્યારેક અનાયાસે જ કશુંક એવું સાંપડી જતું હોય છે કે જે દીવો લઈ શોધવા જઈએ તો ય ના જડે…!
થોડા સમય પહેલા મારી સાથે પણ એવું જ થયું, પસ્તીવાળા પાસેથી રૂ. ૫-૦૦ માં ૧૯૬૩ માં જેની પ્રથમ આવૃતિ થયેલી અને મૂળ ‘મેરી એલન ચૅઝ’ નું જયંતિ દલાલ દ્વારા અનુવાદિત પુસ્તક ” અંધારાની ધાર ” મળી ગયું.
પસ્તીવાળો તો રાજી થઈ જ ગયો પણ એને ક્યાં ખબર હતી કે એણે જે પુસ્તક ૫-૦૦ રૂ. માં આપ્યું છે એ વાસ્તવમાં ‘અમૂલ્ય’ છે.
પુસ્તકની ટૂંકી પ્રસ્તાવનામાં જ એની અંદરના મર્મનો સાર સમજાઈ જાય છે…કે.
આજના માનવીને માથે સમાજ રચવાનો ભાર નથી પડ્યો, પણ સમાજમાં જીવવાનો ભાર પણ જેવો તેવો નથી..!
જેનાથી પોચી બીજી કોઈ વસ્તુ નથી એવા પાણીએ પહાડો કોર્યાનું જોઈએ છીએ ત્યારે પોચા, ભારે, નરમ, જલદ, બુઠ્ઠા, તીક્ષ્ણ..એવા બધાં દ્વંદ્વ અર્થ વિનાનાં લાગે !
માનવી સમાજમાં જીવે છે એ પણ આ પાણી જેમ..એક માનવી બીજાના જીવનને ક્યારેક કોરતો હોય છે, ક્યારેક કંડારતો હોય છે.
અંધારાની ધાર…આ પાણી કોર્યાં પહાડ જેવી, એક વ્યક્તિએ અન્ય વ્યક્તિઓ પર પાડેલી છાપની નવલકથા છે.
એક વ્યક્તિની સમાજ કે અન્ય વ્યક્તિઓ પર જે છાપ પડે છે તે કંઈ પોલીસે એકઠી કરેલી ગઠિયાઓની આંગળીની છાપ જેવી નથી હોતી. નજરે ન ચડે, કાને ન પડે અને છતાં થોડી સૂઝ આ છાપને સમજાવી જાય છે.
”અંધારાની ધાર” દરિયાકાંઠે રહેતા અને દરિયો ખેડતા સામાન્યજનના સંઘર્ષ અને એ દ્વારા ઘડાતી એમની માનસિકતા દર્શાવતી નવલકથા છે.
વાતની શરુઆત…લ્યુસી નોર્ટન નામની મહિલાના જાત સાથેના સંવાદથી થાય છે…ને, એમ જ આગળ વધતી રહે છે. માછીમારોની એ વસ્તીની સૌ થી વયસ્ક મહિલા સારાહ હોલ્ટનું ૯૦ વર્ષની વયે અવસાન થયું છે…કે જે ત્રીસ વર્ષોથી લ્યુસીની અંગત પડોસી અને સ્વજન સમી હતી. એની સાથેના પરિચયથી લ્યુસી જિંદગીને અલગ રીતે જોતા શીખી છે.
સારાહ હોલ્ટના અંતિમ સંસ્કારની બધી તૈયારી લ્યુસીની માથે છે..એ કરતા કરતા લ્યુસી મનોમન સારાહ હોલ્ટ ના આંતર-બાહ્ય વ્યક્તિત્વ વિશે સહજપણે વિચારે છે ને આમ કરવાથી એને સારાહ હોલ્ટ બીજા બધા કરતા જુદી હતી એ તથ્ય દેખાય છે. સારાહની પ્રશ્નોને જોવાની દ્રષ્ટિ અન્યો કરતાં જુદી હતી. એ દરેક પ્રશ્નને બિન અંગત રીતે જોઈ શકતી હતી અને બીજા લોકો જે મહત્વ વગરની ક્ષુદ્ર વાતોમાં અટવાઈ જતા’તા એનાથી પોતાની જાતને દૂર રાખી શકતી હતી.
બીજા લોકોના મુકાબલે સારાહ સાવ નિર્બંધ અને મુક્ત રહી શકતી હતી..અને એના કારણે જ અન્ય લોકો એની સાચી ગુણવત્તાનો સ્વીકાર ન કરી શક્યા.
આજ રીતે લ્યુસી પોતાના અને પોતાના પતિ જોએલ નોર્ટન વિશે વિચારે છે ને ત્યારે એને એમના લાંબા દામ્પત્યના ઘણાં રહસ્યોનો તાગ મળે છે. આમ વિચારતાં વિચારતાં તે વસ્તીના અન્ય દંપતિઓ.. હન્ના અને બેન્જામીન સ્ટીવન્સ, નોરા અને સેઠ બ્લોજેટ, મેરી અને કાર્લટન સોયર…ના જીવનમાં ડોકિયું કરીને એમની ખૂબીઓ અને ખામીઓ ..તથા પરસ્પર સાથેના એમના જોડાણને નોખી નજરે જોઈને નોખા જ તથ્યો તારવે છે.
ડ્ર્રુશીલા વેસ્ટ, ડેનીયલ થર્સ્ટન, અને રેન્ડાલના એકવાયાપણાં ના મૂળ સુધી પહોંચીને એમની દેખાતી-ન દેખાતી બાજુઓને પણ લ્યુસી તરાશે છે.
આ સિવાય.. વસ્તીની બીજી તરફ રહેતા ‘પાછલા પાણીવાળા લોકો’ ની માનસિકતા અને એમના સંઘર્ષને પણ બખૂબી ઝીલે છે.
વળી, આ બધાના છોકરાં અંગે વિચારવાનું પણ લ્યુસી ચૂકી નથી..! છોકરાંઓના બાળ માનસમાં અંકિત થયેલા કૌટુંમ્બિક સંસ્કાર અને એમના આગવા તર્ક પણ કેટલા બળુકા હોય છે એ લ્યુસીના ધ્યાન બહાર નથી.
” અને મેં હંમેશાં જોયું છે કે, આ ટાપુ પર અંધારું જ્યારે ધાર કાઢીને સજ્જ થઈને આવતું હોય ત્યારે બીજે છેડે પ્રકાશ સ્થિર લાગે ” નવલકથાના અંતે આવતું આ વાક્ય જિંદગીના મર્મને સમજવા પૂરતુ છે.
આના સિવાય પણ થોડા માર્મિક અવતરણો….
પોતાને જે મુંજવણ થતી હોય એવી જ બીજાને પણ થતી હોય ત્યારે મનને થોડીક ટાઢક વળતી હોય છે….
યાદદાસ્ત એ વાસ્તવિકતા નથી. યાદદાસ્ત ઘા રૂઝાવે, રમૂજ પમાડે, આરામ આપી જાય કે પછી થોડી હૂંફ આપે પણ એકલી યાદદાસ્તથી કિલ્લામાં બેથા જેવું સુરક્ષિત ન લાગે..!
કોક ઘડનાર માત્ર ઘડે છે..અને કોક કલાકાર એવી હૈયા ઉકલતથી એની રચનાને જીવતી-જાગતી કરી મૂકે કે એને જોતા જ આનંદની કે ક્યારેક વેદનાની લાગણી થાય…!
જાત સાથે વાત કરવાથી બીજાને કશું નુકસાન થતું નથી પણ પોતાને ઓળખવાની સોબત જરૂર મળી રહે છે.
રંજ, વિષાદ, ખિન્નતા જુદાં પાડી શકે છે એમ એ બે વ્યક્તિને નિકટ પણ લાવી શકે છે. એમની ભિન્નતાને વિષમ પરિસ્થિતિ ભાંગી નાંખે છે.
જુદા જુદા લોક સાવ જુદી જુદી રીતે વિચારે અને છતાં બન્ને ખરાં હોય એ પણ જિંદગીની એક તાસીર છે…!!
આમ…”અંધારાની ધાર” દ્વારા આપણી સમજણની…સંવેદનાની ધાર તીક્ષ્ણ થઈ જાય છે..!
—————- લક્ષ્મી ડોબરિયા.
Leave a Reply