તારા ખોળામાં તું પોઢાડી દે ભગવાન
ભવોભવની આવ-જા માં, ના સલવાડી દે ભગવાન?!
પોરો ખાવાં દે ! તારા ખોળામાં તું પોઢાડી દે ભગવાન
આપી દે ને અમરત્વ તું જ મને અપેક્ષાઘાતથી મારીને
પીઠમાં સત્ય,પ્રેમ ,કરુણાનું ખંજર પરોવી દે ભગવાન
ભલે ને હું રોઉં,પણ, જો માનતો હો તું મને તારું બાળ
તો માયા નામનું તારું રમકડું, તું જ ઝૂંટવી લે ભગવાન
કરાવ ને પુણ્ય પરાણે મારી પાસે,તું કહી દે ચિત્રલેખાને
સહજ,સુલભ પાપનાં આ લેખે,મેખ મરાવી દે ભગવાન
યોગી જેમ જાગૃત ન કર તો ભોગી જેમ નિંદ્રા ય ન રાખ
તારાં ક્વોટાની બોગીમાં તું તંદ્રા તો અપાવી દે ભગવાન
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply