તેજ ના અણસાર માટે જાગવાનું
તેજ ના અણસાર માટે જાગવાનું.
ને તમસ પર વાર માટે જાગવાનું.
મૌનના સંચાર માટે જાગવાનું.
વાતના વ્હેવાર માટે જાગવાનું.
ઘાવ આપીને સમય ઊંઘી જશે, પણ.
આપણે ઉપચાર માટે જાગવાનું.
આપવાના હોય નહિં ઓળખના પત્રો..
ભીતરી વિસ્તાર માટે જાગવાનું.
શાખ તો મૌસમ મુજબ ફૂટી યે જાશે..
મૂળના આધાર માટે જાગવાનું.
સ્મિત, આંસુ પણ ફરજના ભાગ હો, ત્યાં-
જીવના શણગાર માટે જાગવાનું.
ધ્યાનચૂકથી પગ પસારે નહિં એ જોવા..
છીછરા ‘હું’ કાર માટે જાગવાનું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply