તોરણ છે તરોતાજા અને દ્વાર ઉઘાડા
તોરણ છે તરોતાજા અને દ્વાર ઉઘાડા,
આથી વધુ શું હોય પ્રતીક્ષાના પુરાવા.
ચાહતના અલગ હોય નહીં વેશ ને વાઘા,
પડકાર ભલે હોય અમાસી કે રૂપાળા.
આ વાતથી તો થાકના સૌ છેદ ઉડી ગ્યા,
કે, ચાંદ ને સૂરજના નથી ક્યાંય ઉતારા.
ઝીલે છે ઘણું ને ઘણું એ બાદ કરે છે,
એથી તો જુઓ ડાળના ખૂટે ન ખજાના.
દાવો મેં કર્યો’તો કે એ કાબૂમાં છે કિન્તુ,
આ મન તો સરેઆમ કરી લે છે ઈશારા.
તું હાથ ન લંબાવ છતાં આપશે જોજે,
તારામાં કદીક એને જો દેખાય સુદામા.
ચર્ચાનો વિષય હોય તો ચર્ચા ય કરી લઉં,
પણ મૌન આ સંવાદ વિશે ગીત શું ગાવા?
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply