થોડા ઘણાં તનાવથી અજવાળું થાય છે
થોડા ઘણાં તનાવથી અજવાળું થાય છે.
ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે.
જ્યાં મીણ કે બરફ થઈ ખુદને મળી શકો,
એવા બધા બનાવથી અજવાળું થાય છે.
સૂરજને ખોટું લાગશે, આ એક વાત થી,
અહિં ભાવ ને અભાવથી અજવાળું થાય છે.
છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો,
દેખાય નહિ એ ઘાવથી અજવાળું થાય છે.
સહમત બધી ય વાતમાં ના થઇ શકાય પણ,
ના કે હા ના પ્રભાવથી અજવાળું થાય છે.
આ દર્દ, પીડા, વેદના જોતા રહી ગયા,
ખુશીઓની આવજાવથી અજવાળું થાય છે.
નડતા નથી સવાલ મને કાલના હવે,
બસ, આજના લગાવથી અજવાળું થાય છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply