થોડું સમયની સોયને કાતર વિશે વિચાર
થોડું સમયની સોયને કાતર વિશે વિચાર.
તો જિંદગીના વેશ ને વસ્તર વિશે વિચાર.
આ નામમાં શું હોય છે, એના વિવાદમાં,
મંતર થઈને ગુંજતા અક્ષર વિશે વિચાર.
તારા સવાલથી તું સલામત રહી શકીશ,
જો સાન, ભાન, ધ્યાનના બખ્તર વિશે વિચાર.
માણસનો સાવ સાચો પરિચય મળી જશે,
તું આવરણ વિશે અને અસ્તર વિશે વિચાર.
પ્હેલાં તું તારી જાત સમેટી ને જો, પછી –
ટૂંકી પડેલી ભાગ્યની ચાદર વિશે વિચાર.
પીડા કણું પડ્યાની યે ઓછી થઈ જશે,
સમજણને ઝંખવે છે એ કસ્તર વિશે વિચાર.
‘તું કોણ છે ?’ નો પ્રશ્ન સતાવે જો રાત’દિ,
ઝળહળ તને કરે છે એ જડતર વિશે વિચાર.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply