થોડો-ઘણો સમયનો તકાજો કબૂલ છે
થોડો-ઘણો સમયનો તકાજો કબૂલ છે.
મારા સુધી જવાનો એ રસ્તો કબૂલ છે.
એવું બને કે તથ્ય નવા સાંપડે મને,
પડઘાય ખાલી ક્ષણ તો એ પડઘો કબૂલ છે.
એ પાર પણ ઉતારશે, શ્રધ્ધા સબળ થઈ,
મારી તરસનો આગવો ઠસ્સો કબૂલ છે.
આગળ જવાની રીત આ સૌ થી સરળ મળી,
પાછું ફરી ને જોવાનો નુસ્ખો કબૂલ છે.
નોખી અદાથી સાચવે ટાણું વિદાયનું,
એ કારણે આ સાંજનો મોભો કબૂલ છે.
એવું નથી હ્રદયને સતત અવગણ્યા કરું,
નક્કર જો હોય એનો ઉમળકો, કબૂલ છે.
કોઈનું હોવું આમ ગઝલ રૂપે અવતર્યું,
મારું કશું નથી..નો પુરાવો, કબૂલ છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply