જેટલી મારાથી મારી દૂરી હશે
જેટલી મારાથી મારી દૂરી હશે.
એટલી વાત મારી અધૂરી હશે.
મારું હોવું સુગંધિત કૈં એમ જ નથી,
આ સ્મરણ એનું ચોક્કસ કપૂરી હશે.
રસ પડે છે મને તો હજી મારામાં,
જિંદગીની કસોટી જરૂરી હશે.
ક્યાં કરે છે દલીલો કે દાવા કદી ?
આ હ્રદયમાં સવાઈ સબૂરી હશે.
ચોતરફ એને જોઈ શકું છું હવે,
આંખ કેવું લગાતાર ઝૂરી હશે.
આટલું જાણું છું બસ ઉદાસી વિશે,
ક્યાંય પણ આવવા સૂરીપૂરી હશે.
આ સમય સાથે રહેવાના નુસખા રૂપે,
જીવતી ઈચ્છા મનમાં ઢબૂરી હશે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply