જો માળવે જવું જ હો, રસ્તા મળે ઘણાં
જો માળવે જવું જ હો, રસ્તા મળે ઘણાં,
ઝરણાં કદી ય ક્યાંય નથી ઊતર્યા ઊણા.
કોઈને સાંભળ્યા પછી એવું ય થાય કે-
ઝળહળ થઇ ગયા હશે એકાદ-બે ખૂણા.
આ વાયરાની વાતમાં આવ્યા છે ત્યારથી,
‘એ આવશે’ ની રાહ માં ખુલ્લા છે બારણાં.
વ્હેતા સમયની સાખે આ સાબિત થઇ ગયું,
બળકટ છે સાદગી ને અરીસા છે વામણાં.
મારી ગઝલના મૂળમાં બીજું તો હોય શું ?
મારા વિશેની હોય હકીકત કે ધારણા.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply