તમે ઇચ્છો છતાં યે ક્યાંક હા, ના થઇ નથી શકતી
તમે ઇચ્છો છતાં યે ક્યાંક હા, ના થઇ નથી શકતી.
સમયસર થાય નહિ એ વાતે ચર્ચા થઇ નથી શકતી.
કહું ને સાંભળું ખુદને એ ગાથા થઇ નથી શકતી,
ઘણી ઘટના છે એવી જેની વ્યાખ્યા થઇ નથી શકતી.
કથા કૂંપળની ને ટહુકાની કરશો પાનખરમાં પણ,
ખરેલા પાનની તો ક્યાંય ગણના થઇ નથી શકતી.
અરીસાને નજરઅંદાજ કરવાનું આ કારણ છે,
સતત કૈં ‘હું ‘ ના પડછાયાની પરવા થઇ નથી શકતી.
વિરોધાભાસ પણ વિસ્તારનું કારણ બને સ્હેજે,
નદી-સાગરની કોઈ રીતે તુલના થઇ નથી શકતી.
થશે સંદેહ ને દાવા-દલીલો પણ થશે મનમાં,
અહીં કારણ વગર શંકા કે શ્રદ્ધા થઇ નથી શકતી
પુરાવો એક પણ આપ્યો નથી ને તોય પણ અહિંયા,
તમારા હોવાની સચ્ચાઇ ભ્રમણા થઇ નથી શકતી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply