તમે ઇચ્છો છતાં યે ક્યાંક હા, ના થાય નહિ સ્હેજે
તમે ઇચ્છો છતાં યે ક્યાંક હા, ના થાય નહિ સ્હેજે.
સમયસર ના કરો એ વાતે ચર્ચા થાય નહિ સ્હેજે.
કહું ને સાંભળું ખુદને એ ગાથા થાય નહિ સ્હેજે,
ઘણી ઘટના છે એવી જેની વ્યાખ્યા થાય નહિ સ્હેજે.
કથા કૂંપળની ને ટહુકાની કરશો પાનખરમાં પણ,
ખરેલા પાનની તો ક્યાંય ગણના થાય નહિ સ્હેજે.
અરીસાને નજરઅંદાજ કરવાનું આ કારણ છે,
સતત કૈં ‘હું ‘ ના પડછાયાની પરવા થાય નહિ સ્હેજે.
વિરોધાભાસમાં ખેંચાણ છે એ વાત માની લે,
નદી-સાગરની કોઈ રીતે તુલના થાય નહિ સ્હેજે.
થશે સંદેહ ને દાવા-દલીલો પણ થશે મનમાં,
અહીં કારણ વગર શંકા કે શ્રદ્ધા થાય નહિ સ્હેજે.
નહીં દેખાય એવું એનું હોવું છે હવા જેવું,
એના આ હોવાની સચ્ચાઇ ભ્રમણા થાય નહિ સ્હેજે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply