મત, આગવો યે રાખજો, કિન્તુ જરાતરા
મત, આગવો યે રાખજો, કિન્તુ જરાતરા.
રેખાઓ ખુદ્ ની વાંચજો, કિન્તુ જરાતરા.
સંભારણાનું મૂલ્ય કૈં ઓછું નથી અહીં,
મુઠ્ઠી ભલે ઉઘાડજો, કિન્તુ જરાતરા.
આ પ્રેમ છે ને પ્રેમમાં બસ આપવું પડે
એ વાતે મોણ નાંખજો, કિન્તુ જરાતરા.
આગળ જવાની હામ ત્યાં બેશક મળી જશે,
ગમતા વળાંકે થોભજો, કિન્તુ જરાતરા.
“હું ” ને નજરમાં રાખો છો એ લાલસામાં પણ,
દર્પણને ભાવ આપજો, કિન્તુ જરાતરા.
ધાર્યું કશું ન થાય તો, વહેવારુ થઇ અને –
ટોળાનો ભાગ થઇ જજો, કિન્તુ જરાતરા.
હા, શક્ય છે તકાજો સમયનો એ હોય પણ,
મન મારજો કે વાળજો કિન્તુ જરાતરા.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply