સંવાદમાં યે વાદ છે એ ધ્યાનમાં જ છે
સંવાદમાં યે વાદ છે એ ધ્યાનમાં જ છે.
એ વાતમાં વિવાદ છે એ ધ્યાનમાં જ છે.
ફૂલો એ ક્યાં સુગંધનો દાવો કર્યો કદી ?
પણ, વાયરાની દાદ છે એ ધ્યાનમાં જ છે.
એકાદ ખૂણો ઘરનો બધું સાચવે છતાં,
પાછોતરો વિષાદ છે એ ધ્યાનમાં જ છે.
પડઘો પડે કે ના પડે, એ વાત ગૌણ છે,
ભીતરનો આર્તનાદ છે એ ધ્યાનમાં જ છે.
જો ધ્યાન બ્હાર હોત તો વકરી યે જાત પણ,
ફરિયાદ છે ને યાદ છે એ ધ્યાનમાં જ છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply