સાવ ખાલી થવાનું જાણું છું
સાવ ખાલી થવાનું જાણું છું.
કોઈના થઇ જવાનું જાણું છું.
નામ ક્યાં સ્થાપવાનું જાણું છું ?
જાત વિસ્તારવાનું જાણું છું.
ભાર હોવાપણાંનો લાગે તો,
તળ સુધી પ્હોંચવાનું જાણું છું.
વાત પ્હોંચી જશે નિયત સ્થાને,
વાતને વાળવાનું જાણું છું.
હાથમાં શું નથી? ના ઉત્તરમાં,
આંગળી ચીંધવાનું જાણું છું.
સૂર્ય પૂજા વિશે કહેવું શું ?
હું તો બસ જાગવાનું જાણું છું.
નહિ ઊભા રહે તરસની સામે એ,
પાણી હું ઝાંઝવાનું જાણું છું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply