વાદ ને સંવાદની ચર્ચા કરું કાગળ ઉપર
વાદ ને સંવાદની ચર્ચા કરું કાગળ ઉપર.
જીવ બળતો હોય ને, ત્યારે ઠરું કાગળ ઉપર.
હું છુપાવું છું, ઉદાસીની હકીકત ને પછી-
સાવ સાચું એક કારણ ચીતરું કાગળ ઉપર.
ના દવાઓ કે દુઆઓની અસર થઈ એટલે,
ઘાવ ભરવા શબ્દ અક્સીર નોતરું કાગળ ઉપર.
વારસો આપી જવાની છે પ્રથા, બસ એટલે-
દર્દના આકાર ઝીણાં કોતરું કાગળ ઉપર.
ઋણ ચૈતરનું અને વૈશાખનું ઉતારવા,
ગુલમહોરી ગીત થઈને અવતરું કાગળ ઉપર.
સાવ લીલા પાનથી ભીના થશે એ બીકથી,
પાનખર કોરી લઈને પાથરું કાગળ ઉપર.
આ ત્વચાના સાત પડ વીંધીને દિલનું દર્દ પણ-
થઈ વિવશને ઊતર્યું છે સોસરું કાગળ ઉપર.
સુખ અને સગવડના નામે ઝાંઝવા પીધા પછી,
રોજ ઊગું, આથમું, જીવું-મરું કાગળ ઉપર.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply