શું છે અંદર, ખબર પડે છે ક્યાં
શું છે અંદર, ખબર પડે છે ક્યાં?
દ્વાર માફક હ્રદય ખૂલે છે ક્યાં?
આ હકીકત મને જગાડે છે,
સ્વપ્ન મારું કદી સુએ છે ક્યાં?
વાત ચોખ્ખી જો હોય તો કરજે,
મોણ એમાં મને સદે છે ક્યાં ?
આટલું બસ નદી વિશે જાણ્યું,
ખળખળે છે, કશું કહે છે ક્યાં?
કેમ છો ? એવું રોજ પૂછી લે,
કોઈ તમને અહીં મળે છે ક્યાં?
સૂર્ય ઝાંખો પડ્યો આ વાતે કે,
તેજ ચાહતનું આથમે છે ક્યાં?
કાલનું તેં પગેરું શોધ્યું પણ,
આજમાં તું તને જુએ છે ક્યાં?
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply