મારી બધી યે વાતની તાસીર જુદી છે
મારી બધી યે વાતની તાસીર જુદી છે.
ભીતર પડી એ ભાતની તાસીર જુદી છે.
આપે છે દિલાસો ને વળી રંગમાં આપે,
આ સાંજની સોગાતની તાસીર જુદી છે.
સંભાવના છે બીજમાં એક વૃક્ષ થવાની,
અણદેખી એ તાકાતની તાસીર જુદી છે.
વાદળની ઉપર વીજની થઇ જાય સવારી,
આષાઢના જઝબાતની તાસીર જુદી છે.
હૈયાની કરે વાત છતાં સાંભળે ના કોઇ,
તમરાંના વલોપાતની તાસીર જુદી છે.
ખાલીપો કરી જાય સરેઆમ પ્રહારો,
એ ઘાત ને આઘાતની તાસીર જુદી છે.
હું વાત ગઝલ સાથે સહજતાથી કરી લઉં,
એ ખાસ મુલાકાતની તાસીર જુદી છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply