મને લાગ્યું કે આવ્યાં’તાં એ મારાં દુઃખના હલ માટે;
હવે જાણ્યું બચાવ્યો તો મને મારી કતલ માટે!
છું એક ચૂંબનની વચમાં ભૂલથી આવી ગયેલું ફૂલ
હું માફી માગું છું આ મારી સુગંધિત દખલ માટે.
હૃદયની વાત આવી તો જતી રહી ઘાસ ચરવા એ
મને થાતું હતું બહુ માન મારી જે અકલ માટે!
તમે આપી‘તી એ સુખની પડીકીની અસર ના થઈ,
કર્યું છે એ બધું મેં જે તમે કીધું અમલ માટે!
જરૂર અંધાર પણ છે કોઈના સૌંદર્યનો સામાન,
હશે વિરાટની આંખોના કાજલ, કાં તો તલ માટે.
કશું માગ્યું નથી ઈશ્વર કને એવું નહીં કહું હું,
ઘણી વેળા કરી છે પ્રાર્થના સારી ગઝલ માટે.
~ અનિલ ચાવડા
Leave a Reply