સ્હેજ ખળખળતો, સૂરિલો લય સલામત રાખવાનો
સ્હેજ ખળખળતો, સૂરિલો લય સલામત રાખવાનો.
આપણે બસ જાતજોગો લય સલામત રાખવાનો.
જ્યાં જવું છે ત્યાં જવાનો માર્ગ મળશે એક શરતે,
બસ તમારે જળસરીખો લય સલામત રાખવાનો.
થાય શું આથી વધુ મોસમ મુજબના રંગ માટે,
ડાળખીએ મૂળસોતો લય સલામત રાખવાનો.
મત બધાના હોય નોખા એટલું સમજ્યા પછીથી,
વાતવાતે ખટમધૂરો લય સલામત રાખવાનો.
ઓટ-ભરતીનો ભલે મહિમા કરી લ્યો ચાર હાથે,
ભીતરે તો શાંત-શીળો લય સલામત રાખવાનો.
શક્ય છે એ આવશે ને સાંજ ટાણું સાચવી લે,
સૂર્ય જેવો રોજ તાજો લય સલામત રાખવાનો.
આંખ છો ને બોલકી હો ને વળી ઉતાવળી હો,
પણ હૃદયમાં લાજવંતો લય સલામત રાખવાનો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply