હતું ઋણ આ સમયનું, એ ઉતારવા વિચાર્યું
હતું ઋણ આ સમયનું, એ ઉતારવા વિચાર્યું !
ને, સવાર જેવું સાંજે, ફરી ઊગવા વિચાર્યું !
આ વસંતી ડાળખીનો, છે પ્રભાવ મારી ઉપર,
તો વિતેલી કાલથી બસ, મેં અલગ થવા વિચાર્યું !
શું વલણ જરાક બદલ્યું તો નજરમાં આવી ગઈ હું ?
આ સવાલથી મેં મારા સુધી પ્હોંચવા વિચાર્યું !
નથી અવગણ્યા મેં બંધન, ને જવું છે મારે આગળ,
તો નદીની જેમ સ્હેજે મેં વહી જવા વિચાર્યું !
આ ખુશી છે પાણી પોચી, બધું પાર ક્યાંથી પાડે ?
લે ઉદાસી, ભાર મારો તને આપવા વિચાર્યું !
આ દિમાગની કળાઓ બધી ખીલશે ખુલીને,
મેં હ્રદયનો હાથ ઝાલી હવે ચાલવા વિચાર્યું !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply