હોય છે એવો ય ગાળો હોય છે
હોય છે એવો ય ગાળો હોય છે !
આ સમય જાણે નિભાડો હોય છે !
સ્હેજ નમતું જોખ તો સમજાશે કે,
વ્હેંત છેટે સાચો તાળો હોય છે !
આયનાની સરભરાથી નહિં પૂરાય,
તારી અંદર જે તિરાડો હોય છે !
કૂંપળો કંઈ એમ તો ફૂટે નહીં,
પાનખરનો એમાં ફાળો હોય છે !
ખુદ્દની સાથે દ્વંદ્વ જ્યાં ચાલ્યા કરે,
મન-મગજ એવો અખાડો હોય છે !
એ મને લઈ જાય છે, મારા સુધી,
ખાલીપો મારો રૂપાળો હોય છે !
હે હ્રદય ! આ પ્રેમ છે, સંભાળજે. .
સાવ સીધી ત્યાં કરાડો હોય છે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply