જશે
યોજના એવી છે લલચાઈ જશે,
રાજકારણ છે તું ભરમાઈ જશે.
વાઈરલ હું થઇ જઈશ હમણાં તરત
એવી ઘટના છું કે ફેલાઈ જશે,
મારા શે’રોમાં ન તું વિશ્વાસ કર,
યુગ બદલતાં અર્થ બદલાઈ જશે.
તું મને બસ દિલમાં આપી દે જગ્યા,
આંખમાં રાખીશ તો વીસરાઈ જશે.
તીર તો વિંધ્યા પછી નીકળી જશે,
શબ્દો એવા છે કે રોકાઈ જશે.
થઇ જશે ત્યારે ઈશારો ઈશ્કનો,
હાથને દાબીશ તો શરમાઈ જશે.
ભિક્ષુકોના શાપથી બચતા રહો,
આ પ્રજાથી તખ્ત પલટાઈ જશે.
ખુરશીઓ જીતીને ક્યાં સૌ રાખશો,
ભૂલશો ના, આંખ મીંચાઈ જશે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply