સમય, તારા બધા હથિયાર, લેખે લાગશે જોજે.
આ મારો આગવો હુંકાર, લેખે લાગશે જોજે.
ભર્યું પગલું તેં તારી સામે એ શિરપાવ સમજી લે,
પછી તો જીત હો કે હાર, લેખે લાગશે જોજે.
જવાબો હર વખત ઊતરે ગળે, એવું નથી હોતું,
સવાલોના ય સારાસાર, લેખે લાગશે જોજે.
વલોવી નાંખશે હૈયું ને નવનીત તારવી લેશે,
શબદ કે મૌનના ઉપચાર, લેખે લાગશે જોજે.
અધૂરી વાત મૂકી છે ને તડકે જાત મૂકી છે,
સ્વયં સાથેની એ તકરાર, લેખે લાગશે જોજે.
નજરની બ્હાર છે એવું ઘણું દૃષ્ટિમાં ઝીલાશે,
મુસીબત હો કે હો અંધાર, લેખે લાગશે જોજે.
તને તું જોઈ લે એ શકયતા તો સો ટકાની છે,
અરીસો આમ અંદર-બ્હાર, લેખે લાગશે જોજે.
– લક્ષ્મી ડોબરિયા
“પદ્ય” સપ્ટેમ્બર ૨૦૨૨ના અંકમાં મારી ગઝલ.
Leave a Reply