આસ્થાને ઉદાસ કોણ કરે?
ચાહવાનો પ્રયાસ કોણ કરે?
હાથમાં હાથ આપવા ઈચ્છો,
તો પ્રણયમાં કચાસ કોણ કરે?
સ્વપ્નમાં થાય છે ઘણાં દર્શન,
વાહનોથી પ્રવાસ કોણ કરે?
દેશસેવક છે એ ગુનેગારો,
હા , ગુનાની તપાસ કોણ કરે?
જૂઠથી પ્રેમ છે અદાલતને,
સત્ય તારો વિકાસ કોણ કરે?
જ્યાં મહોબ્બત નિરાશ છે ‘સિદ્દીક,
એવી જગ્યામાં વાસ કોણ કરે?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply