આવો,તમારા નામના તારા ગણાય છે,
એક ઈદ છે, ને ચાંદની ચિંતા કરાય છે.
દિવસને રાત, રાતને દિવસ ગણાય છે,
આ શહેરના ઈલાકામાં જાગી શકાય છે.
સંબંધ તાજા રાખવા આ કેસરી યુગે,
નફરતની બેમિસાલ દિવાલો ચણાય છે.
સુંદર નગરની એટલી સુંદર જગ્યા ઉપર,
ચેતાવવામાં આવે છે , ખીસ્સા કપાય છે.
દેખાય છે અનેક નવી ચરવણોના ચિત્રો,
મારી સદીમાં કેટલી ગઝલો લખાય છે?
જોયું,ધડકતું દિલ કદી મિત્રો,પહાંણમાં?
તો પણ ન જાણે કેટલું ચાહી શકાય છે.
મોટા થતાં રહે અને ફળ આપતા રહે,
છાયા વગરના વ્રુક્ષ શું કિર્તી કમાય છે!
આ ચાર વ્યક્તિઓથી નહિં સીસીટીવીથી,
આ એ જગ્યા છે આદમી પૂરો મપાય છે.
એક શે’રમાં કહ્યું હતું, “અમ્રુત ઘાયલે”,
મંદિર બનાવવા, ઘરો ખાલી કરાય છે.
આ ગોખમાં તો ફક્ત પ્રભુનો જ વાસ હોય,
નાના હ્રદયમાં કેટલા ‘વિશ્વો’ શમાય છે?
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply