ડાયરીનું એક પાનું
તારીખ – ૬ જૂન ૨૦૧૩
આ તપ્ત અને શુષ્ક, લાંબી બપોર નો આભાર, એટલા માટે કે..એને પસાર કરવા કેટલા બધા ગમતા પુસતકો વાંચી શકાયા.
આ બે મહિના દરમ્યાન જે સારા પુસ્તકો અગાઉ વાંચેલા હતા એ ફરી વાંચ્યા.
સર્જનાત્મકતા…
ઓશોના આ પુસ્તકનું આ એક જ અવતરણ ઘણું કહી જાય છે કે,
” સર્જનાત્મકતા એટલે હોવું. ઈશ્વરને તમારા નિમિત્તે કંઈક કરવા દો…એ સર્જનાત્મકતા છે ”
અમૃતા…
શ્રી રઘુવીર ચૌધરીની આ નોવેલ પ્રથમ વખત ૧૯૮૫ માં વાંચેલી ને, એ વખતે એમાંથી તારવેલા અવતરણો આજે પણ મારી ડાયરીમાંથી વાંચું છું તો એટલા જ પ્રસ્તૂત લાગે છે. આટલા વર્ષો પછી એ નોવેલ ફરી વાંચી.
હું મારું સરનામું છું…
રમેશ પુરોહિત દ્વારા આસ્વાદ્ય આ પુસ્તક મને ગમતા એવા પુસ્તકો, કે જેને વારંવાર વાંચવા ગમે એમાંનુ એક છે. આપણાં આંતરિક વૈભવ સુધી પહોંચવા માટેનું અજવાળું આમાંથી મળ્યું છે. ને, એટલે એ સમયાંતરે વાંચું છું.
હુ મૂવ્ડ માય ચીઝ ?…
ડો. સ્પેન્સર જોન્સન ના પુસ્તક નો ગુજરાતી અનુવાદ છે. જિંદગી ના પ્રશ્નો અને પરિવર્તનો ને કઈ રીતે ખાળવા એ આમાંથી પસાર થવાથી સમજાય છે.
અતરાપી..
શ્રી ધ્રુવભટ્ટની આ નોવેલ જેટલી વાર વાંચીએ, કંઈક ને કંઈક નવું સાંપડે જ.
એમાંના મને ગમતા અવતરણો પૈકીનું એક આ છે કે,
” હું કશું શીખવાડી ના શકું, હું માત્ર જણાવી શકું ”
આ સિવાય પણ ઘણું વંચાયું.
આભાર…આ ધોમધખતી બપોરનો એટલા માટે કે એના થકી ગુલમહોર અને ગરમાળા જેવું મ્હોરી શકાય છે!
– લક્ષ્મી ડોબરિયા.
Leave a Reply